નવા પ્રદેશ પ્રમુખ તરીકે ક્ષત્રિય અગ્રણીમાં પ્રદિપસિંહ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના નામ આગળ, દેવુસિંહ પણ રેસમાં
લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની ૧૫૬ બેઠક ઉપર વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સી.આર.પાટીલ હવે કેન્દ્રમાં ગયા છે. આ સંજોગોમાં તેમના સ્થાને પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નવા નેતાના નામોની અટકળ થવા માંડી છે. ક્ષત્રિય આંદોલન અને બદલાયેલી પરિસ્થિતિ જોતાં સંગઠનમાં કોઇ ક્ષત્રિય અગ્રણીને સ્થાન મળે તેવી શકયતા છે. આમ આ નામોમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા દેવુસિંહ ચૌહાણના નામો ચર્ચામાં છે.
ભાજપનું સુકાન મોટા ભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાને જ સોંપાયું છે. જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ કેબીનેટ મંત્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજાના નામ ટોચ પર ચાલી રહ્યા છે. ઓબીસી સમાજની વાત કરવામાં આવે તો પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ પણ ટોપ પર છે. મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને થાળે પાડીને આણંદ બેઠક જીતવામાં દેવુસિંહ ચૌહાણની મહત્વની ભૂમિકા રહી છે. આ ઉપરાંત ઓબીસી નેતા તરીકે મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરીના નામો પણ રેસમાં છે. સાથે સાથે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર અને ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ અનાવાડીયાનું નામ પણ ચર્ચામાં છે.
પાટીદાર ચહેરા તરીકે ગોરધન ઝડફીયાને સ્થાન મળી શકે છે. ઝડફીયા ભાજપના સીનિયર નેતા અને અનુભવી ચહેરો છે. જયારે રજની પટેલનું નામ પણ સંભવિત પ્રદેશ પ્રમુખની રેસમાં છે. રાજયસભાના સાંસદ મયંક નાયક પ્રદેશ પ્રમુખપદની રેસમાં છે. જો આદિવાસી જ્ઞાતિમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલના નામની ચર્ચા છે.
આમ પાટીલની દિલ્હી વિદાય બાદ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ શરૂ કરાઇ છે. હવે હાઇકમાન્ડ કોના શિરે તાજ મુકે છે તે તો સમય જ કહેશે. માત્ર પ્રદેશ પ્રમુખ જ નહીં, પ્રદેશ પ્રવકતાથી માંડીને આખુય માળખુ બદલાય તેમ છે. સંગઠનમાં આમુલ પરિવર્તન કર્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી અટકળો તેજ થઇ છે. એ વાત પણ નક્કી છે કે મત્ર હોદો ભોગવતા અને વટ મારતાં નેતાઓને ઘરભેગા કરાશે.


