- મસ્કે આરોપ લગાવ્યા હતા કે ઓપન એઆઈ મૂળ મિશનથી ભટકી માત્ર કમાણી પર ધ્યાન આપી રહી છે
- લોકોની ભલાઈ માટે એઆઈ સિસ્ટમ વિકસાવવાના પોતાના લક્ષ્ય સાથે સમજૂતી કરી છે: મસ્કનો આક્ષેપ
- મસ્ક કંપનીથી અલગ થયા પછી ઓપન-એઆઈને માઇક્રોસોફ્ટ તરફથી અબજો ડોલરનું ભંડોળ મળ્યું
ચેટજીપીટી તૈયાર કરનારી કંપની ઓપન-એઆઈ અને તેના સીઈઓ ઓલ્ટમેન માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ફેબ્રુઆરીમાં ઓપન-એઆઈ કંપની સામે નોંધાવેલો કેસ પાછો ખેંચી લીધો છે.
હકીકતે અબજોપતિ ઉદ્યોગ સાહસિક મસ્કે કંપની પર આક્ષેપ કર્યા હતા કે ઓપન-એઆઈ કંપની માનવતાને લાભ પહોંચાડવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસાવવાના પોતાના મૂળ મિશનને પાછળ છોડી દઈને માત્ર નાણાકીય આવક કરવાના કામે લાગી ગઈ છે. એલન મસ્કે આરોપ લગાવ્યા હતા કે લોકોની ભલાઈ માટે એઆઈ સિસ્ટમ વિકસાવવાના પોતાના લક્ષ્ય સાથે સમજૂતી કરી છે. આ કેસ ખાસ કરીને ઓપન-એઆઈ કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેન અને અધ્યક્ષ ગ્રેગ બ્રાકમેન વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. મસ્કે આરોપ લગાવ્યો હતો કે કંપની એક ઓપન સોર્સ યુનિટ રહેવાને બદલે માઇક્રોસોફ્ટની એક ક્લોઝ- સોર્સ સહાયક કંપની બની રહી છે.
મસ્ક પોતે કંપનીના સહસ્થાપક હતા
મસ્કે કોઈ જ પૂર્વગ્રહ વિના કેસ પાછો ખેંચી લીધો તેનો અર્થ એ થઈ શકે છે કે ઇચ્છે ત્યારે ફરી કેસ કરી શકશે. મસ્ક લાંબા સમયથી ઓપન-એઆઈનો વિરોધ કરી રહ્યા હતા. તે વિરોધને કારણે જ કેસ કર્યો હતો. મસ્ક પોતે આ સ્ટાર્ટ અપના સહસ્થાપક હતા. મસ્ક કંપનીથી અલગ થયા પછી ઓપન-એઆઈને માઇક્રોસોફ્ટ તરફથી અબજો ડોલરનું ભંડોળ મળ્યું.
મહિલા કર્મચારીના મસ્ક પર જાતીય સતામણીના ગંભીર આરોપ
એલન મસ્ક પર એક મહિલા કર્મચારીએ જાતીય સતામણીના ગંભીર આરોપ કર્યા છે. મસ્ક પર આરોપ છે કે તેમણે કથિત રીતે સ્પેસએક્સની એક કર્મચારી અને ઇન્ટર્ન સાથે જાતીય સંબંધ બાંધ્યા. આ ઉપરાંત, મસ્કે મહિલા કર્મચારીને પોતાનાં બાળકો પેદા કરવા માટે પણ દબાણ કર્યું હતું. અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર, એલન મસ્ક દ્વારા પ્રતિબંધિત દવાઓનું કથિત સેવન કરવામાં આવે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે એલન મસ્ક મહિલાઓને ગંદી નજરે જોતા હતા અને પીછો કરતા હતા. 2013માં જેણે સ્પેસએક્સમાંથી રાજીનામું આપ્યું હતું તેવી અન્ય એક મહિલાનો આરોપ છે કે એલન મસ્કે તેને પોતાનાં બાળકો પેદા કરવા માટે કહેલું. કંપનીની એક મહિલાએ 2014માં એલન મસ્ક સાથે એક મહિના સુધી જાતીય સંબંધો રાખ્યા હતા.


