- મધ્ય આફ્રિકામાં આવેલા દેશ કોંગોમાં હોડી પલટી જવાની દુર્ઘટના સર્જાઈ
- હોડીમાં ક્ષમતા કરતાં વધુ લોકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હોવાનો આરોપ
- નદીમાં હોડી પલટી જતા ઘણા લોકોએ પાણીમાં તરીને જીવ બચાવ્યો
મધ્ય આફ્રિકામાં આવેલા દેશ કોંગોની રાજધાની કિંશાસા પાસે એક નદીમાં 270થી વધુ લોકોને લઈ જતી એક બોટ પાણીમાં પલટી ગઈ હતી. જેથી તેમાં સવાર 80થી વધુ લોકોનાં ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે ઘણા લોકો તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. દુર્ઘટનાની જાણખારી દેશના રાષ્ટ્રપતિ ફેલિકસે આપી હતી. એક નિવેદનમાં જણાવ્યું કે માઈ-નડોમ્બે પ્રાંતમાં આવેલી નદીમાં હોડી ડૂબી ગઈ હતી. જેમાં લોકોનાં દુખદ મોત થયા હતા. હોડી પર ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા.
તપાસના આદેશો આપ્યા છે
રાષ્ટ્રપતિ ફેલિક્સે સોશિયલ મીડિયા ટવિટર પર લખ્યું છે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના માઇ-નડોમ્બે પ્રાંતના મુશી શહેરથી 70 કિલોમીટર દૂર ક્વા નદી પર બોટ દુર્ઘટનામાં 80થી વધુ લોકોનાં મોત થયા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કારણોની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન બને.
જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો
રાષ્ટ્રપતિએ અધિકારીઓને આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સાચા કારણોને સ્પષ્ટ કરવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન બને તે માટે અકસ્માતની તપાસ થવી જોઈએ. માઇ-નડોમ્બે પ્રાંતના ગવર્નર રીટા બોલા દુલાએ જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે નૌકાવિહારને કારણે થઈ હતી.
અગાઉ પણ અકસ્માતો થયા છે
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કોંગોમાં આવી દુર્ઘટના થઈ ચુકી છે. બોટને લગતા અકસ્માતોના અહેવાલો પહેલાથી જ સપાટી પર આવી ચૂક્યા છે. દેશમાં આવા અકસ્માતો પાછળ મોટાભાગે ઓવરલોડિંગ સૌથી મોટું કારણ છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો, જ્યારે ઓવરલોડેડ બોટ ડૂબી જતાં ડઝનેક લોકોનાં મોત થયા હતા.


