- હમાસ અને ઈઝરાયલ વચ્ચે આઠ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્હુ
- હુમલામાં માર્યા ગયેલા 25 પેલેસ્ટિયન નાગરિકો હોવાનો ખુલાસો
- ગાઝામાં આવેલા રફાહમાં ઈઝરાયલે બોમ્બમારો કર્યો
મિડલ ઈસ્ટમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા આઠ મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આવામાં દક્ષિણ ગાઝામાં આવેલા રફાહમાં હમાસના આતંકવાદીઓ સાથે સામસામેની લડાઈમાં ઓછામાં ઓછા 45 લોકોનાં મોત થયા છે. મૃતક લોકોમાં 25 પેલેસ્ટાઈન નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ઈઝરાયલી સૈન્યની ટેંકો શહેરની અંદર ઘુસી ગઈ હતી.
રફાહ કેમ્પ પર ઇઝરાયલી બોમ્બ વરસ્યા
ઇઝરાયલી દળોએ દક્ષિણ ગાઝામાં વધુ આક્રમક હુમલા શરૂ કર્યા છે. હવે રફાહમાં બનેલા રાહત શિબિરો પણ તેનો શિકાર બનવા લાગ્યા છે. રફાહ શહેરના ઉત્તરીય ભાગમાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનો માટે બનાવવામાં આવેલા રાહત શિબિરો પર ઈઝરાયેલી દળોએ શુક્રવારે ઘાતક હુમલો કર્યો. રાહત શિબિરો પર ઇઝરાયેલના બોમ્બ વરસતા રહ્યા, જેમાં ઓછામાં ઓછા 45 લોકો માર્યા ગયા અને 50 અન્ય ઘાયલ થયા.
મળતી માહિતી અનુસાર, ઈઝરાયેલી દળોએ શુક્રવારે દક્ષિણ ગાઝાના રફાહ તેમજ એન્ક્લેવના અન્ય વિસ્તારો પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 45 પેલેસ્ટિનિયન માર્યા ગયા. અહીં ઈઝરાયેલની સેના અને હમાસ વચ્ચે ભીષણ લડાઈ ચાલી હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે ઈઝરાયેલી સેના રફાહ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રફાહ ઈજિપ્તની સરહદ પર છે અને આ સ્થાન મે મહિનાની શરૂઆતથી જ ઈઝરાયેલના હુમલાનું કેન્દ્ર રહ્યું છે.
ઈઝરાયેલની ટેન્ક રફાહમાં પ્રવેશી હતી
મળતી માહિતી અનુસાર, ઈઝરાયેલની ટેન્ક શહેરના પશ્ચિમી અને ઉત્તરીય ભાગોમાં બળજબરીથી પ્રવેશી રહી હતી. આ પહેલા તેઓએ પૂર્વ અને દક્ષિણ કેન્દ્ર પર કબજો કર્યો હતો. દરિયાકાંઠે વિમાનો, ટેન્કો અને જહાજોમાંથી ગોળીબારના કારણે મોટી સંખ્યામાં લોકોએ શહેર છોડીને ભાગવું પડ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી આ શહેર 10 લાખથી વધુ વિસ્થાપિત લોકોને આશ્રય આપી રહ્યું હતું. હવે અહીંથી મોટાભાગના લોકો ફરી શિફ્ટ થઈ ગયા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પશ્ચિમી રફાહના માવાસીમાં ઓછામાં ઓછા 25 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 50 ઘાયલ થયા હતા. પેલેસ્ટિનિયનોએ જણાવ્યું હતું કે એક ટેન્ક શેલ વિસ્થાપિત પરિવારોના તંબુને ફટકાર્યો હતો.


