- દ્વારકાના દરિયા કિનારે એક વ્યક્તિને ચરસનો જથ્થો મળ્યો
- SOG દ્વારા સમગ્ર મામલે સર્ચ ઓપરેશન
- વધુ 1 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની માહિતી
રાજ્યમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. આજે દેવભૂમિ દ્વારકાના નાવદ્રા દરિયાકિનારેથી એક વ્યક્તિને બિન વારસી હાલતમાં ચરસનો જથ્થો મળ્યો હોવાની માહિતી સુત્રો દ્વારા મળી રહી છે. અંદાજિત 40 પેકેટ ચરસના નાવદ્રા દરિયાકિનારેથી બિન વારસી હાલતમાં એક વ્યક્તિને મળ્યા બાદ એસઓજી દ્વારા આ વ્યક્તિને પૂછપરછ હાથ ધરાઈ છે.
SOGએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ
તમને જણાવી દઈએ કે એસઓજી દ્વારા સમગ્ર મામલે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે. બિન વારસી હાલતમાં વધુ 1 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની માહિતી સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર કેસ બાબતે પોલીસ દ્વારા જે વ્યક્તિને આ જથ્થો મળ્યો છે, તેની ઉંડાણ પૂર્વક પૂછપરછ કરાઈ રહી છે. ત્યારે પુછપરછ બાદ જ વધુ વિગતો જાણી શકાશે કે આ વ્યક્તિ કોણ છે અને કેવી રીતે આ ડ્રગ્સનો જથ્થો તેની પાસે આવ્યો.
ગઈકાલે કચ્છમાંથી ઝડપાયા હતા ચરસના પેકેટ
કચ્છમાં ગઈકાલે ચરસના પેકેટ મળ્યા હતા. BSFએ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી વધુ 20 ચરસના પેકેટ જપ્ત કર્યા હતા. જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફએ ચરસના બિનવારસી 20 પેકેટ જપ્ત કર્યા હતા. અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી બીએસએફએ 170થી પણ વધુ પેકેટ કબજે કર્યા છે અને હાલમાં પણ બીએસએફ દ્વારા ક્રીક અને ટાપુ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે.
કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
તમને જણાવી દઈએ કે 6 દિવસ પહેલા જ BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું,જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, છેલ્લા 10 દિવસમાં BSFએ 170થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે.


