- કસ્ટમ્સના મહિલા અધિકારીના મોબાઈલ કબજે લઈ કોલ ડિટેઈલની તપાસ શરૂ
- સુરત એરપોર્ટ પર સોનું લાવેલી ત્રણ મહિલાના નિવેદનના આધારે કાર્યવાહી
- તપાસ માટે પ્રીતિનો મોબાઇલ કબજે કરીને તેમાં કોલ ડિટેઇલની વિગતો મેળવાઈ
સુરત કસ્ટમની મહિલા સુપરિન્ટેન્ડન્ટ પ્રીતિ આર્યાને સોનાની દાણચોરી કરનારાઓ સાથેની સાઠગાંઠમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેની પાસે રહેલા મોબાઇલના કોલ ડિટેઈલના આધારે તપાસ શરૂ કરાયાની વિગતો જાણવા મળી છે.જોકે છેલ્લા બે વર્ષ દરમિયાન કોલ ડિટેઇલની તપાસ કરાય તો કેટલાય ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવણી ખૂલે તેવી શક્યતા હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે.
સુરત એરપોર્ટ પર સોનું લઇને આવેલી ત્રણ મહિલાના નિવેદનના આધારે અમદાવાદ કસ્ટમના અધિકારીઓ દ્વારા પ્રીતિ આર્યા સામે કાર્યવાહી કરાઈ હોવાની વિગતો જાણવા મળી છે. અમદાવાદમાં પણ સોનાની દાણચોરી કરનારાઓ સાથેની મિલીભગત બહાર આવી હોવાથી પ્રીતિની સુરત બદલી કરાઈ હતી. તેણે અમદાવાદની માફક સુરત એરપોર્ટ પર પણ પોતાનું નેટવર્ક તૈયાર કરી દીધું હોવાની ચર્ચા થઇ રહી છે. જેથી આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ માટે પ્રીતિનો મોબાઇલ કબજે કરીને તેમાં કોલ ડિટેઇલની વિગતો મેળવાઈ છે.
મોટા માથાને બચાવવા મહિલા સુપરિન્ટેન્ડન્ટ સામે કાર્યવાહી
સુરત એરપોર્ટ પરથી શારજાહ અને દુબઇની ફલાઇટ શરૂ થતાની સાથે જ સોનાની દાણચોરી કરનારાઓને મોકળું મેદાન મળી ગયું હતું. તેમાં પણ કસ્ટમના કેટલાક અધિકારીઓની સાઠગાંઠમાં સોનાની દાણચોરીનો વેપલો ફૂલ્યો ફાલ્યો હતો. તેના કારણે જ પ્રીતિની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જોકે એક ચર્ચા એવી પણ થઇ રહી છે કે આ રેકેટમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી બહાર આવે તેમ હોવાથી સુપરિન્ટેન્ટને સસ્પેન્ડ કરીને સમગ્ર મામલો દબાવી દેવાનો ખેલ શરૂ કરાયો છે.


