- મૃતદેહોમાંથી કોઈની ઓળખ થઈ શકી નથી
- મોતનું કારણ હીટવેવ માનવામાં આવી રહ્યું છે
- ડ્રગ્સની લતને કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા
પાકિસ્તાનના કરાચી શહેરમાં રહસ્યમય મોતના કારણે ખળભળાટ મચી ગયો છે. અહીં વિવિધ વિસ્તારોમાંથી 22 મૃતદેહો મળી આવ્યા હતા. પાકિસ્તાની NGOના પ્રયાસો છતાં 22 મૃતદેહોમાંથી કોઈની ઓળખ થઈ શકી નથી. બુધવારે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મંગળવારે 5 નવા મૃતદેહો મળ્યા બાદ હવે મૃતદેહોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. આ પછી શહેરમાં સ્થિતિ વણસી હતી.
મૃત્યુને લઈને વધી ચિંતા
આ રહસ્યમય મૃત્યુને લઈને ચિંતાઓ પણ ઘણી વધી ગઈ છે. કરાચીના વિવિધ વિસ્તારોમાંથી વધુ 5 મૃતદેહો મળ્યા છે. તેણે કહ્યું કે તેમાંથી ત્રણ ડ્રગ્સના બંધાણી હતા. જો કે હજુ સુધી એક પણ લાશની ઓળખ થઈ નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર છિપા સંગઠન શહેરમાં એમ્બ્યુલન્સ નેટવર્ક ચલાવે છે અને તેણે પુષ્ટિ કરી છે કે અજાણ્યા મૃતદેહોની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. આ મૃતદેહો દાવા વગરના છે કારણ કે મૃતકોના કોઈ સંબંધી તેમને લેવા આવ્યા ન હતા.
આ મૃત્યુનું કારણ શું છે?
રિપોર્ટ અનુસાર કરાચીમાં આ મોતનું કારણ હીટવેવ માનવામાં આવી રહ્યું છે. બંદર શહેરમાં કાળઝાળ ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. શહેરના અનેક નાગરિકો આ ગરમીથી પ્રભાવિત થયા છે, જેમાંથી ઘણાને હીટસ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે જ સમયે મૃત મળી આવેલા આ લોકોના મૃત્યુનું બીજું કારણ પણ કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સની લતને કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
ડ્રગનું વ્યસન વધવા લાગ્યું
આ સિવાય મળતી માહિતિ અનુસાર મૃત હાલતમાં મળી આવેલા મોટાભાગના લોકો ડ્રગ્સના બંધાણી હતા જેઓ ભારે ગરમીના પ્રભાવ હેઠળ મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક વરિષ્ઠ નાગરિકે તેના ઘરની બહાર નશાખોરોને રોક્યા ત્યારે તેના પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો. આ ઘટના પાકિસ્તાનમાં ડ્રગ્સના સેવનની વધતી જતી સમસ્યા દર્શાવે છે.


