જાફરાબાદના કડીયાળીમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરનાર યુવતીના પિતા સહિત ચારની ધરપકડ
બે મહિલા સહિત આખા પરિવારને જેલ પાછળ ધકેલતી પોલીસ
અગ્ર ગુજરાત, જાફરાબાદ
પ્રેમ સંબંધમાં આવેશમાં આવીને લેવાયેલું આ પગલું આજે બે પરિવારોને બરબાદ કરી ચૂક્યું છે. એક તરફ ૨૩ વર્ષના જુવાનજોધ દીકરાનો જીવ ગયો છે તો બીજીતરફ યુવતીના પિતા સહિત આખો પરિવાર જેલના સળિયા પાછળ ધકેલાયો છે. ડીવાયએસપી નયના ગોરડીયાએ પણ લોકોને અપીલ કરી રહી છે કે આવી કોઈ પણ ઘટના બને ત્યારે કાયદો હાથમાં લેવાના બદલે તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે ગત તારીખ ૧૨ જૂનના રોજ રાત્રીએ પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક રાજેશ લખમણભાઇ બાંભણીયાને ગામની જ એક યુવતીના પ્રેમમાં હતો. ગતરોજ રાત્રે રાજેશ જ્યારે પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચ્યો ત્યારે તે વાતથી અજાણ હતો કે આ તેની આખરી રાત સાબિત થશે. રાજેશને યુવતીના પરિવારજનો જોઇ જતા ઉશ્કેરાઇ ગયાં હતાં. ક્રોધે ભરાયેલા યુવતીના પરિવારે રાજેશ પર લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉશ્કેરાયેલા પરિવારે યુવકને એટલો બેરહેમીથી માર માર્યો કે ગંભીર ઈજાઓના કારણે રાજેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ધટનાની જાણ થતાં જ જાફરાબાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે જાફરાબાદની સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. આખરે જાફરાબાદ ટાઉન પોલીસે હત્યા કરનાર યુવતીના પિતા સહિત એક જ પરિવારના ૪ આરોપીને ઝડપી પાડયા છે. જેમાં ઘેલાભાઇ સોલંકી, કુંવરબેન સોલંકી, રોહિત સોલંકી, ચંદ્રિકાબેન સોલંકી કુલ ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે રાજુલા ડિવિઝનના ડીવાયએસપી નયના ગોરડીયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે અને જનતાને એક ખાસ અપીલ કરી છે. કાયદાકીય કાર્યવાહી અને પ્રેમ સંબંધના મામલાઓમાં કાયદો હાથમાં લેવાને બદલે પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે.


