- શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે
- જમીન લે વેચની ઓફિસમાં ચાર શખ્સોએ તલવાર, ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે તોડફોડ કરી
- તોડફોડ કરનાર આરોપી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના રાજપથ રંગોલી રોડ પર સન ઓર્બિટ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જમીન લે વેચની ઓફિસમાં ચાર શખ્સોએ તલવાર, ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે તોડફોડ કરી છે.
તીક્ષ્ણ હથિયારો વડે તોડફોડ કરાયા બાદ ઓફિસમાં આગ લગાવી
આ ચારેય અસામાજિક તત્વો દ્વારા ઓફિસમાં તીક્ષ્ણ હથિયારો વડે તોડફોડ કરાયા બાદ આગ લગાવી હતી. આ ઓફિસમાં આનંદ નામનો એક યુવક બેસતો હોવાની અદાવત રાખીને આ તોડફોડ કરવામાં આવી છે. ત્યારે આરોપીનું નામ મેઘરાજસિંહ ઉર્ફે બન્ના ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપી મેઘરાજસિંહ સહિત 4 શખ્સોએ ઓફિસમાં તોડફોડ કરી છે, તમને જણાવી દઈએ કે તોડફોડ કરનાર આરોપી મેઘરાજસિંહ ઉર્ફે બન્ના ગોહિલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ તમામ લોકોએ દારૂના નશામાં બીભત્સ ગાળો બોલીને ઓફિસમાં તોડફોડ કરી ધોળા દિવસે આતંક મચાવ્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
આ અસામાજિક તત્વો દ્વારા જ્યારે ઓફિસમાં તોડફોડ કરવામાં આવી, તે સમયે ઓફિસમાં બે યુવક અંદર બેઠા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ થઈ ગઈ છે અને આ બનાવ બાદ બોડકદેવ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


