મહાપાલિકાએ માર્ચ-૨૦૨3માં નોટીસ ફટકાર્યા બાદ થાબડભાણા : વિદ્યાર્થીઓનું રમવાનું મેદાન હડપ થઇ ગયું
શહેરની કરણસિંહજી હાઇસ્કુલના મેદાનમાં બાલાજી મંદિરને લગત વિદ્યાર્થીઓને રમવાનું મેદાન હતું તેના પર સ્વામિનારાયણના સાધુઓએ દબાણ કર્યાની ફરિયાદ કલેકટર સમક્ષ મીતેશ ગણાત્રા દ્વારા કરવામાં આવી છે. તેમણે કલેકટરને આ અંગે વિસ્તૃત રજુઆત કરતો પત્ર લખી જણાવ્યું છે કે માર્ચ-૨૦૨3માં મનપાએ નોટીસ ફટકાર્યા બાદ પણ થાબડભાણા થઇ રહ્યા છે અને કોઇ કાર્યવાહી થઇ નથી.
રજૂઆતમાં જણાવ્યા મૂજબ કરણસિંહજી હાઈસ્કૂલનું એક જુનુ બિલ્ડીંગ માત્ર રિટ્રોફીટીંગ કરવા અને શૈક્ષણિક હેતુ માટે સંચાલન કરવા બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટને રાજકોટ કલેક્ટર દ્વારા તા.૮-૯-૨૦૨૧ના શરતોને આધીન સોંપવા હૂકમ કર્યો હતો અને ત્યારબાદ તા. ૧૧-૭-૨૦૨૨ના સરકારના શિક્ષણ વિબાગ દ્વારા શરતોને આધીન હૂકમ કરાયો હતો. જેમાં હયાત સ્ટ્રક્ચરમાં કોઈ પણ ફેરફાર નહીં કરવાની સ્પષ્ટ શેરેત હતી તેમજ કોઈ પણ વધારાનું બાંધકામ કરવાની પણ મંજુરી ન્હોતી અપાઈ.
આમ છતાં ટ્રસ્ટ દ્વારા વધારાનું મંજુરી વગરનું બાંધકામ ખડકી દીધું છે જે અંગે મહાપાલિકાના એ.ટી.પી. દ્વારા તા.૨૩- ૩-૨૦૨૩ના ક.૨૬૦(૧) હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું કે શરતોનો દેખીતો ભંગ થવા છતાં અને મનપાએ નોટિસ આપ્યા છતાં કલેક્ટર તંત્ર દ્વારા કે મનપા દ્વારા આ અનધિકૃત બાંધકામ હટાવાયું નથી તેમજ કાયદેસરની કાર્યવાહી કરાઇ નથી.
અરજદારે જણાવ્યું કે સવાસો વર્ષ જુનુ એક બાંધકામ તોડી પડાયું છે. આ હાઈસ્કૂલના મેદાનમાં બાલાજી હનુમાનનનું મંદિર માત્ર પર ચોરસવાર જગ્યામાં જ આવેલું છે અને બાકીનું બાંધકામ અનધિકૃત છે તે જાણવા છતાં કાર્યવાહી કરાઈ નથી. સ્કૂલ ચાલુ કરવાને બદલે મંદિરના નામ પર બાંધકામ કરાયું છે.


