- IAS સુજાતા સૌનિકને મહારાષ્ટ્રના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
- રાજ્યના 64 વર્ષના ઈતિહાસમાં આ પદ સંભાળનાર તેઓ પ્રથમ મહિલા બન્યા
- સુજાતા પહેલા તેમના પતિ મનોજ સૌનિક પણ રાજ્યના મુખ્ય સચિવનું પદ સંભાળી ચૂક્યા છે
IAS સુજાતા સૌનિકને મહારાષ્ટ્રના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના 64 વર્ષના ઈતિહાસમાં આ પદ સંભાળનાર તેઓ પ્રથમ મહિલા બન્યા છે. તેમની નિમણૂક એકનાથ શિંદે દ્વારા કરવામાં આવી છે. સુજાતા સૌનિક 1987 બેચના IAS અધિકારી છે. સુજાતા પહેલા તેમના પતિ મનોજ સૌનિક પણ રાજ્યના મુખ્ય સચિવનું પદ સંભાળી ચૂક્યા છે. સુજાતા સૌનિકનો મુખ્ય સચિવ તરીકેનો કાર્યકાળ એક વર્ષનો રહેશે અને તેઓ જૂન 2025માં નિવૃત્ત થશે. તેમણે રવિવારે મુખ્ય સચિવ નીતિન કરીર પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.
પતિ રાજ્યના મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુજાતા સૌનિક રાજ્યના સિનિયર IAS ઓફિસર છે અને રિટાયર્ડ IAS ઓફિસર મનોજ સૌનિકની પત્ની છે. આ સિવાય મનોજ સૌનિક અગાઉ રાજ્યના મુખ્ય સચિવના પદ પર કામ કરી ચૂક્યા છે. સુજાતા સૌનિકની નિમણૂક સાથે આ પ્રથમ વખત બનશે જ્યારે પતિ-પત્ની મુખ્ય સચિવ હશે.
નીતિન કરીરને મુખ્ય સચિવનો સોંપવામાં આવ્યો હતો ચાર્જ
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર દ્વારા નીતિન કરીરને ત્રણ મહિનાનો વધારાનો કાર્યકાળ આપવામાં આવ્યો હતો. તે સમયગાળો પૂરો થયા બાદ હવે આ પદ પર સુજાતા સૌનિકની નિમણૂક કરવામાં આવી છે. આ દરમિયાન એવી ચર્ચા હતી કે નીતિન કરીરનો કાર્યકાળ ફરી એકવાર લંબાવવામાં આવશે પરંતુ તેમ કરવાને બદલે રાજ્ય સરકાર દ્વારા સુજાતા સૌનિકની નિમણૂક કરવામાં આવી છે. કરીરે સોમવારે સાંજે દક્ષિણ મુંબઈમાં રાજ્ય સચિવાલય મંત્રાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં સુજાતા સૌનિકને રાજ્યના મુખ્ય સચિવનો હવાલો સોંપ્યો હતો.
ત્રણ દાયકાનો અનુભવ
મુખ્ય સચિવ તરીકે બઢતી પહેલાં સુજાતા સૌનિક રાજ્યના ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ હતા. સુજાતા સૌનિકને ભારતીય વહીવટી સેવા અને સંયુક્ત રાષ્ટ્રના ભાગ રૂપે જિલ્લા, રાજ્ય અને સંઘીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આરોગ્યસંભાળ, નાણાં, શિક્ષણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પીસકીપિંગમાં જાહેર નીતિ અને શાસનમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે.
સુજાતા સૌનિકની કારકિર્દી
IAS સુજાતા સૌનિક હાર્વર્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાંથી ટેકમી ફેલો છે અને લગભગ 40 વર્ષની તેમની સિવિલ સર્વિસ કારકિર્દીમાં મુખ્ય હોદ્દા પર રહી છે. સુજાતા સૌનિક નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના સલાહકાર અને સંયુક્ત સચિવ, કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેમણે કોસોવોમાં યુનાઇટેડ નેશન્સ મિશનમાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટર અને સિવિલ અફેર્સ ઓફિસર અને કંબોડિયા માટે સિવિલ અફેર્સ ઓફિસર અને ચૂંટણી મોનિટર તરીકે પણ સેવા આપી છે.


