- 30થી 40 વર્ષના યુવાનોમાં હૃદય રોગનું પ્રમાણ અંદાજે 20 ટકા વધ્યું
- કોવિડથી સાજા થયા પછી પણ શરીરમાં સુષુપ્ત વાઇરસની હાજરીના કારણે હાર્ટ એટેકનું જોખમ
- ફાસ્ટ ફૂડ, આલ્કોહોલનું સેવન, ઝડપી અને અનિયમિત જીવનશૈલી જવાબદાર છે
રાજયમાં હદયને લગતી બિમારીના કેસમાં ચિંતાજનક સ્તરે વધારો નોધાઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં હદયને લગતી અલગ અલગ બિમારીથી પીડાતા દર્દીઓનો આંકડો ખુબ જ મોટો છે.
ગુજરાતમાં વર્ષ 2024ના છેલ્લા છ મહિનામાં હૃદય રોગ સંબંધિત બીમારીના 40,047 ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે, ગત વર્ષ 2023ના અરસામાં છ મહિનામાં 33,936 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા, આમ ગત વર્ષની સરખામણીએ હૃદય રોગની ઈમરજન્સીના કેસમાં 6,111 કોલ્સ વધ્યા છે. આમ રાજ્યમાં છ મહિનામાં હૃદય રોગની ઈમરજન્સીના રોજના 220 કોલ્સ આવ્યા છે, જે ગત વર્ષે આ સમયે 186 જેટલા કોલ્સ હતા. એટલું જ નહિ પરંતુ આ વખતે ઉનાળામાં મે મહિનામાં સૌથી વધુ 7175 કેસ નોંધાયા છે. બીજી તરફ માર્ગ અકસ્માતના કેસમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે, ગત વર્ષ 2023ના છ મહિનામાં માર્ગ અકસ્માતના 81,192 કોલ્સ હતા, જે આ વખતે વધીને 81,305 થયા છે.
કોવિડ પછી હૃદય સંબંધિત બીમારી વકરી છે, તબીબોના મતે ફાસ્ટ ફૂડ, આલ્કોહોલનું સેવન, ઝડપી અને અનિયમિત જીવનશૈલી, અપૂરતી ઊંઘ, સ્ટ્રેસ, સ્મોકિંગ જેવા કારણો પણ જવાબદાર છે, અગાઉના વર્ષોની સરખામણીએ અત્યારે 30થી 40 વર્ષની વયના યુવાનોમાં હૃદય રોગના કેસનું પ્રમાણ 20 ટકા આસપાસ વધ્યું છે. આ બીમારીમાં તબીબી સલાહ લઈને ચાલવાની ટેવ તેમજ કસરત કરી શકાય છે, સાત કલાકથી ઓછી ઊંઘ લેતાં હોય તેવા લોકોમાં હૃદય રોગની શક્યતા રહે છે, તેમણે પૂરતી ઊંઘ લેવી જોઈએ. વિદેશમાં થયેલા અભ્યાસમાં એ તારણ પણ સામે આવ્યું હતું કે, કોવિડથી સાજા થયા પછીયે શરીરમાં સુષુપ્ત વાયરસની હાજરીથી પણ હાર્ટ એટેકનું જોખમ રહે છે.
અમદાવાદમાં છ માસમાં 11,782 કોલ્સ આવ્યા
અમદાવાદમાં ગત વર્ષ 2023માં છ માસમાં કાર્ડિયાક સંબંધિત 10,150 કોલ્સ આવ્યા હતા, જે વર્ષ 2024ના છ મહિનામાં 11,782 કેસ આવ્યા છે એટલે કે 1,632 કેસ વધુ નોંધાયા હતા.


