સરકારી નોકરીઓ બંધ થઇ ગઇ છે : બે વર્ષમાં 3૨ યુવાનોને મળી છે સરકારી નોકરી
રાજયમાં બેરોજગારી આડો આંકવાળી ગઇ છે. સરકાર દ્વારા રાજય અને કેન્દ્રની જગ્યાઓ ભરવામાં આવતી નથી. મોટા ભાગની સરકારી કચેરીઓમાં આઉટ સોર્સીંગથી નહિવત પગારમાં કર્મચારીઓને લેવામાં આવે છે તેમજ ફિકસ પગારના કર્મચારીઓને સમાવવામાં આવે છે. જયારે અનુભવી કર્મચારીઓ હવે સરકારી કચેરીઓમાંથી નીકળતા જાય છે. તેમજ સ્કીલ્ડ કર્મચારીઓની પણ અછત થઇ છે. બીજી બાજુ રાજયમાં ૨.૫૦ લાખ યુવાનો બેકાર હોવાનું સત્તાવાર નોંધાયું છે. ગત વર્ષમાં માત્ર 3૨ લોકોને જ સરકારી નોકરી મળી છે.
અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં, નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાઓ ઉમટી પડ્યા હતાં. ઉમેદવારોની ભીડ ઉમડતાં હોટેલની રેલિંગ તૂટી ગઇ હતી. આ એજ દર્શાવે છેકે, ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ વધી રહ્યો છે. ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલાં આંકડા મુજબ, રાજ્યમાં ૨૯ જિલ્લામાં ૨,૩૮,૯૭૮ શિક્ષિત બેરોજગારો જયારે ૧૦,૭૫૭ અર્ધશિક્ષિત બેરોજગારો નોધાયાં છે. રાજકોટ, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, આણંદ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો નોધાયેલાં છે. સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં માત્ર ૩૨ શિક્ષિત યુવાઓને સરકારી નોકરી મળી શકી છે. અમદાવાદના યુવાઓ સરકારી નોકરીનું સપનું પુરુ કરી શક્યા છે.જયારે ૨૨થી વધુ જિલ્લામાં યુવાઓ સરકારી નોકરી મેળવી શક્યા નથી. બીજી તરફ, સરકાર ભલે સરકારી નોકરીના દાવાઓ કરે પણ વાસ્તવિકતા એછેકે, સરકારી ભરતી કેલેન્ડર પર કાગળ પર રહ્યુ છે.
આ પરિસ્થિતી વચ્ચે શિક્ષિત યુવાઓને નાછૂટકે ઓછા પગારે ખાનગી કંપનીઓમાં નોકરી કરવા મજબૂર થવુ પડ્યું છે. સરકારી નોકરી મેળવવા માટે લાખો ફોર્મ ભરાય છે તે એજ દર્શાવે છેકે, ગુજરાતી યુવાઓ માટે સરકારી નોકરી કરવી એ સપનું છે.


