- હરણી બોટ દુર્ઘટના કેસમાં વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના જવાબમાં કોર્ટનો નિર્દેશ
- ફસ્ઝ્રએ એવો દાવો કર્યો કે, રાજ્યમાં 2022માં જ બે હજારના ડૂબી જવાથી મોત થયેલા
- ચાણોદ જેવા સ્થળોએ શ્રાદ્ધ, તર્પણના સ્નાન વખતે સુરક્ષા માટે વોટર પોલીસ જરૂરી
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોતની ગોઝારી દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠે આજે તળાવ જેવા જળાશયોમાં બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં એવું અત્યંત મહત્ત્વનું સુચન રાજ્ય સરકારને કર્યું હતું કે, ખરેખર તો નાગરિકોની સુરક્ષા માટે જળાશયોમાં વોટર પોલીસ તૈનાત કરવાની ખૂબ જરૂર છે.
જો વોટર પોલીસ નહી હોય તો ગમે તેવા નિયમો(એસઓપી) કરશો તો તે પળાશે નહી. ગંગા સંગમ પર પોલીસ હોય છે, જેઓ પાસે બોટમેનથી લઇ બધી માહિતી હોય છે. બોટનું નિયમિત ચેકીંગ થતુ હોય છે. નર્મદા અને નદી કિનારે પંડિતો શ્રાદ્ધ તર્પણ વખતે સ્નાન કરવાનું કહે છે, તેથી ધાર્મિક પ્રવૃત્તિઓ તો રોકી શકાતી નથી, સામે સુરક્ષાત્મક વ્યવસ્થા વધારવી પડે, જે માટે રાજયના આવા જળાશયો પર વોટર પોલીસ તૈનાત કરવી જોઇએ.
વાસ્તવમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે એફિડેવિટ રજૂ કર્યું હતું તેના પરિપ્રેક્ષ્યમાં ચીફ જસ્ટિસની ખંડપીઠ તરફથી ઉપરોક્ત મહત્ત્વનું અવલોકન કરવામાં આવ્યું હતું. વીએસમી તરફ્થી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો રિપોર્ટ કોર્ટના ધ્યાન પર મૂકતા ઘટસ્ફેટ કર્યો હતો કે, રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ખાલી વર્ષ 2022માં જ ડૂબી જવાના કારણે બે હજારથી વધુ લોકોના મોત નોંધાયા હતા. એટલે કે, રાજયમાં વિવિધ જળાશયો, નદી, તળાવ, સરોવર કે દરિયામાં ડૂબી જવાના કારણે નાગરિકોના મોત નોંધાયા હતા. જેથી સંબંંધિત કોર્પોરેશનો, પંચાયતો કે નગરપાલિકાઓ સહિતના સત્તાવાળાઓએ નાગરિકોની સુરક્ષા માટેના જરૂરી પગલાં અને ઉપાયો કરવા જોઇએ. સાથે સાથે નાગરિકોએ પણ આવા જળાશયો-નદીઓ કે દરિયાકાંઠે જોખમ અને ન્હાવાની કે પાણીમાં જવાની મનાઇ સહિતની સૂચનાઓ લખેલી હોવા છતાં પાલન નહી કરતાં આવી દુર્ઘટનાઓમાં અકાળે મોતનો ભોગ બને છે, તેથી પબ્લીકમાં પણ એટલી જ જાગૃતિ જરૂરી બને છે.
જળાશયો, મનોરંજન સ્થળ અંગે ડ્રાફ્ટ રૂલ્સ બની ગયા છે : સરકાર
રાજય સરકાર તરફ્થી જણાવાયું હતું કે, સમગ્ર રાજયમાં કુલ 42 પૈકી ચાર જળાશયોમાં સ્પોટ્ર્સ પ્રવૃત્તિઓ ચાલુ છે. જળાશયો અને મનોરંજન સ્થળ અંગેના ડ્રાફ્ટ રૂલ્સ બની ગયા છે. જિલ્લામાં આવેલા જળાશયો માટે ડિસ્ટ્રિકટ વોટર સાઇડ સેફ્ટી કમિટીની રચના કરવામાં આવી છે. આ કમીટી ઓથોરીટી અને કોન્ટ્રાકટર વચ્ચેના એગ્રીમેન્ટ, લાઇફ્ જેકેટ, બોટની ક્ષમતા, પેસેન્જરના નામ-રેકોર્ડ સહિતની બાબતો તપાસશે અને જે જળાશયોમાં સ્પોર્ટસ કે મનોરંજન પ્રવૃત્તિ શરૂ કરવી હશે તો તે મુજબના નિયમો પાળવા પડશે. જેથી હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, કમીટીની રચના તો ઠીક છે પરંતુ આવી દુર્ઘટના સર્જાય તો, જવાબદારી કોની રહેશે? એટલે કે, આ જળાશયો જે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે સત્તામંડળના સત્તાક્ષેત્રમાં આવતા હોય તો તેમાંથી જવાબદાર કોણ? જેથી સરકારે સ્પષ્ટ કર્યું હતું. આ સત્તામંડળો જ જિલ્લા વોટર સાઇડ સેફ્ટી કમીટીને જવાબદાર રહેશે.
પીડિતોને વળતર મળે તે હેતુથી કોટિયા પ્રોજેક્ટને પક્ષકાર બનાવી નોટિસ પાઠવી
હરણી તળાવ બોટ દુર્ઘટના કેસની સુનાવણી દરમ્યાન આજે પીડિતો તરફ્થી અરજી કરી ન્યૂ સનરાઇઝ સ્કૂલ અને કોટિયા પ્રોજેકટસને પક્ષકાર બનાવવા માંગણી કરવાની સાથે સાથે તેઓને પણ જવાબદાર ઠરાવી તેઓની પાસેથી પીડિતોને યોગ્ય વળતર ચૂકવાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. પીડિતોના સમર્થનમાં રાજય સરકારે પણ જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ન્યુ સનરાઇઝ સ્કૂલનો પણ એટલો જ વાંક અને જવાબદારી છે. શિક્ષણ વિભાગે મામલાની ગંભીરતા લઇ શાળાનું મેનેજમેન્ટ ટેકઓવર કરવા વિચારણા હાથ ધરી છે. જો કે, કોર્ટે આ પગલાંને યોગ્ય ગણાવ્યું ન હતુ અને શાળાઓમાં પ્રવાસ બંધ નહી કરાવવા પણ તાકીદ કરી હતી પરંતુ સાથે સાથે આવી દુર્ઘટનાઓમાં શાળાની જવાબદારી નક્કી કરવા જણાવ્યું હતું.
વોટર સાઇડ સેફ્ટી કમિટીમાં પોલીસ કમિશનર પર મોટી જવાબદારી
સરકારે વોટર સાઇડ સેફ્ટી કમીટીમાં પોલીસ કમિશનર પર પણ બહુ મોટી અને ગંભીર જવાબદારી નાંખી છે. અત્યારસુધી આવી દુર્ઘટનાઓમાં કોર્પોરેશન, પંચાયત, નગરપાલિકા સહિતના સત્તામંડળ જવાબદાર ઠરતા હતા પરંતુ હવે પોલીસને પણ જવાબદારી સોંપવામાં આવી છે. સરકારે હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, વોટર સાઇડ સેફ્ટી કમીટીના ચેરપર્સન તરીકે જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ રહેશે, જયારે ચાર મોટા શહેરોમાં કમીટીના ચેરમેન તરીકે ત્યાંના શહેર પોલીસ કમિશનરો રહેશે, જયારે મ્યુનિસિપલ કમિશનર તેમાં સભ્ય તરીકે રહેશે.


