- હમાસ અને ઈઝરાયલ વચ્ચે નવ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- યુદ્ધ સમાપ્ત થયા બાદ ઈઝરાયલે યુનોને જવાબ આપવો પડશે
- જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં હમાસના મોટા કમાન્ડર મોહમ્મદ દીફ હોવાનો ખુલાસો
ઈઝરાયલે દક્ષિણ ગાઝા પટ્ટીમાં એક મોટો હુમલો કર્યો છે. આ ભીષણ હુમલામાં હમાસના એક સૈન્ય કમાન્ડરને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 90 લોકોનાં મોત થયા છે. હમાસે ઈઝરાયલના આ દાવાને ફગાવી દીધો છે. તેના સૈન્ય કમાન્ડર મોહમ્મદ દીફ એ વિસ્તારમાં હતો જ્યાં ઈઝરાયલ દ્વારા હુમલો કરાયો હતો.
ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમને જણાવ્યું હતું કે હજી સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી કે મોહમ્મદ દીફ અને હમાસના બીજા કમાન્ડર રાફા સલામાનું આ હુમલામાં મોત થયું છે. આ હુમલો એવા વિસ્તારમાં થયો છે જેને સૈન્યએ હજારો પેલેસ્ટાઈનવાસીઓ માટે સુરક્ષિત રીતે જાહેર કર્યું હતું.
આતંકી હુમલાનો મુખ્ય કાવતરાખોર
મોહમ્મદ દીફ વિશે ઘણા લોકોનું માનવું છે કે, તે સાત ઑક્ટોબરના આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર હતો. આ હુમલામાં દક્ષિણ ઈઝરાયલમાં આશરે 1,200 લોકોનાં મોત થયા હતા. જે બાદ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. મોહમ્મદ દીફ ઘણા વર્ષથી ઈઝરાયલની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સૌથી ઉપર હતો. એવું મનાઈ રહ્યું છે કે, તે ભૂતકાળમાં ઘણા ઈઝરાયલી હુમલામાં બચી ગયો છે. ગાઝા આરોગ્ય મંત્રાલના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઓછામાં ઓછા 90 લોકોનાં મોત થયા છે અને 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
યુદ્ધ પૂરું થયા પછી ઈઝરાયલને જવાબ આપવો પડશે
યુનોના મહાસચિવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગાઝામાં યુદ્ધ સમાપ્ત થયા પછી જવાબદારી નક્કી થશે. તેમને કહ્યું કે પરંતુ હજી લોકો ભૂખ્યા છે તેઓને પાણી અને તબીબી સારવારની જરૂર છે. અને અમે યુદ્ધક્ષેત્રની વચ્ચે લોકોની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગત સાત ઑક્ટોબરે હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયા પછી વેસ્ટ બેંકમાં પણ હિંસામાં વધારો નોંધાયો છે.


