- રશિયા રાજકીય સંઘર્ષમાં કોઈપણ જાતની હિંસાને વખોડી કાઢે છે
- રેલીમાં એક હુમલાખોરે ટ્રમ્પ પર ફાયરિંગ કરતા ટ્રમ્પને કાન પર ગોળી લાગી હતી
- બાઈડેન સરકારે હુમલો કરવા માટે ઉશ્કેરણીજનક તેમજ ભયનું વાતાવરણ સર્જ્યું: રશિયાનાં પ્રવક્તા
અમેરિકાનાં પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર હુમલો કરીને ભયનું વાતાવરણ સર્જવા માટે રશિયાએ બાઈડેન સરકાર પર આક્ષેપ કર્યો છે. રશિયાએ કહ્યું હતું કે, ટ્રમ્પ પર શનિવારે હુમલો કરીને તેમની હત્યાનો પ્રયાસ કરવા માટે અમે અમેરિકાની બાઈડેન સરકાર જવાબદાર છેતેવું માનતા નથી પણ બાઈડેન સરકારે હુમલો કરવા માટે ઉશ્કેરણીજનક તેમજ ભયનું વાતાવરણ સર્જ્યું છે.
પેન્સિલ્વેનિયા ખાતે રેલીમાં એક હુમલાખોરે ટ્રમ્પ પર ફાયરિંગ કરતા ટ્રમ્પને કાન પર ગોળી લાગી હતી. હવે આ હુમલાની હત્યાનાં પ્રયાસનાં એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે પણ ટ્રમ્પ પર તેણે શા માટે હુમલો કર્યો તેનું કારણ જાણવા મળ્યું નથી. રશિયાનાં પ્રવક્તા દમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, હાલની સરકાર દ્વારા ટ્રમ્પ પર હુમલો કરીને તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું અમે માનતા નથી. પણ પ્રમુખપદનાં ઉમેદવાર ટ્રમ્પ વિરુદ્ધ જે કંઈ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તે અમેરિકા આજકાલ જે સંઘર્ષ કરી રહ્યું છે તે સંદર્ભમાં ઉશ્કેરણી ફેલાવનારું છે. અમેરિકાનાં પ્રમુખ જો બાઈડેને હુમલાને વખોડી કાઢીને કહ્યું છે કે અમેરિકામાં કોઈપણ જાતની હિંસાને સ્થાન નથી.


