- સજા કરવાની તો વાત દૂર રહી ઊલટાનું સ્કૂલને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની છૂટ આપી
- આગની ઘટના છૂપાવી, શિક્ષણ, ફાયર, પ્રાંત અધિકારીઓની કામગીરી પર સવાલ
- સ્કૂલમાં શિક્ષણ વિભાગ, ફાયર તેમજ સાણંદ પ્રાંત સહિતના અધિકારીઓ દ્વારા તપાસ અભિયાન શરૂ કરાયું હતું
લોકોની જિંદગી સાથે ખેલનાર વિવાદીત ચિરિપાલ ગ્રૂપ સંચાલિત શેલા સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા આગની ઘટના છુપાવી બાળકોના જીવ જોખમમા મુક્યા છતાં તેની સામે કાર્યવાહીના નામે તૂત જોવા મળ્યું છે.
આ સ્કૂલમાં શિક્ષણ વિભાગ, ફાયર તેમજ સાણંદ પ્રાંત સહિતના અધિકારીઓ દ્વારા તપાસ અભિયાન શરૂ કરાયું હતું. તપાસ રિપોર્ટમાં સ્કૂલ એકદમ સાફ અને ચોખ્ખી હોવાનું કહી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. આૃર્યની વાત એ છે કે, આગ જેવી ઘટનાને છુપાવીને પોતાનંુ પાપ ઢાંકવા મોકડ્રિલનું જુઠ્ઠાણું ચલાવનાર આ સ્કૂલ સામે એક નાનું અમથું ઉદાહરણ પુરું પાડી શકાય તેવી સજા ફટકારવાની પણ તસ્દી લેવામાં આવી નથી. જેને લઈ વાલીઓ દ્વારા આક્ષેપ કરાયા છે કે, આખીયે તપાસમાં ગોઠવણનો દોર ચાલ્યો હોવાની આશંકા છે.
શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગત તા.11 જુલાઈએ બપોર પછી પ્રાથમિક વિભાગના બિલ્ડિંગમાં બીજા માળે છઝ્રના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ સાથે ધુમાડો ફેલાવાની ઘટના ઘટી હતી. દરમિયાન વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને બહાર કેમ્પસમાં લાવી દેવાયા હતા. પ્રાથમિકના નાના ભૂલકાંઓ ધુમાડાના ગોટાથી ગભરાઈ ગયા હતા. તેમ છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ મુદ્દે વાલીઓને કોઈ જાણ કરાઈ નહોતી. કેટલાક વાલીઓએ ડીઈઓ કચેરીમાં આ મુદ્દે મેસેજ પણ પહોંચાડયો હતો. ડીઈઓ દ્વારા સ્કૂલનો સંપર્ક કર્યો તો એવો જવાબ અપાયો હતો કે, સ્કૂલમાં મોકડ્રિલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ડીઈઓ કચેરીના એક અધિકારી ગુરુવારે સાંજે સ્કૂલમાં તપાસ માટે પહોંચ્યા પરંતુ તેમને યોગ્ય જવાબ મળ્યો નહોતો. પરંતુ ગભરાયેલા વિદ્યાર્થીઓને વાલીઓને જાણ કરતા સવારના સુમારે જ અંદાજે 500થી વધુ વાલીઓ સ્કૂલ કેમ્પસમાં ધસી આવ્યા હતા. વાલીઓનો રોષ જોતા શિક્ષણ, ફાયર અને પોલીસના અધિકારીઓ દોડી આવ્યા હતા. સંચાલકોએ આગની ઘટના ન બની હોવાનું અને મોકડ્રિલ હોવાનું રટણ શરૂ કર્યુ હતું. પરંતુ વાલીઓના આક્રોશ બાદ મેનેજમેન્ટે ઘટનાની કબૂલાત કરી હતી. દરમિયાન શિક્ષણ વિભાગ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સ્કૂલમાં સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ કરાયો હતો.


