- ઉદ્યોગોમાં નોકરી રોજગાર અર્થે જતા લોકોને હાલાકી
- શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
- વોર્ડ નં 2 અને 5માં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી
ભરૂચના અંકલેશ્વરમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે,સાથે સાથે ઉદ્યોગોમાં નોકરી રોજગાર અર્થે જતા લોકોને હાલાકી પડી રહી છે.શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.વોર્ડ નં 2 અને 5માં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે.
સોસાયટીઓમાં ભરાયા પાણી
ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદ સારો વરસતા વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે.અંકલેશ્વરના સેફરોનથી નીલકંઠ વીલા રોડ પર આવેલ વૃંદાવન સોસાયટી, નક્ષત્ર સોસાયટી અને એપાર્ટમેન્ટ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે,સાથે સાથે વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ નિકળતા રોડ પર રહેલા પાણીમાં ફીણ જોવા મળ્યા હતા.
છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ
નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી
બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.


