- અંતરિક્ષમાં નાસા કરવા જઇ રહ્યું છે કંઇક નવું
- આર્ટીફિશિયલ સ્ટાર લોન્ચ કરવાની તૈયારીમાં
- જાણો નાસા શું કરી રહ્યું છે પ્લાનિંગ ?
આકાશ તરફ ક્યારેય આપે નજર કરી જ હશે. કેટલા બધા તારા જોવા મળે છે. ઘણીવાર આખુ આકાશ તારાથી ટમેટમે છે તો ઘણીવાર ક્યારેક એકલ દોકલ તારા દેખાય છે. કુદરતી તારા તો આપણે જોઇએ જ છીએ પરંતુ ક્યારેય તમને એવો વિચાર આવ્યો કે આર્ટી ફિશિયલ સ્ટાર પણ હોય તો, કેવો હોય. ત્યારે આવું જ કંઇક કરવા જઇ રહ્યું છે નાસા. અમેરિકાની આ અંતરિક્ષ એજન્સી આ દશકના અંતમાં એક આર્ટીફિશિયલ સ્ટાર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે.
શું નામ છે આ મિશનનું ?
નાસાએ આ મિશનને લેન્ડોલ્ટ મિશન નામ આપ્યું છે. આ મિશનનું નામ ખગોળશાસ્ત્રી આર્લો લેન્ડોલ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તે વર્ષ 2029માં લોન્ચ થવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર તેને અમેરિકા ઉપર ઓર્બિટમાં ધરતીથી 35,785 કિલોમીટરના અંતરે અમેરિકાની ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ફ્લોરિડા યુનિવર્સિટીના એસ્ટ્રોનોમીના આસિસ્ટન્ટ પ્રોફેસર જેમી ટેયરના જણાવ્યા મુજબ આ મિશન દ્વારા અમારો ધ્યેય એ જાણવાનો છે કે શું અન્ય તારાઓની પરિક્રમા કરતા અન્ય ગ્રહો પર મહાસાગરો અસ્તિત્વ ધરાવે છે અને શું આવા ગ્રહો પર જીવનની ઉત્પત્તિ થવાની સંભાવના છે કે નહી ?
આર્ટિફિશિલ સ્ટાર લોન્ચ કરવાથી શું ફાયદો ?
આર્ટી ફિશિયલ સ્ટાર લોન્ચિંગ બાદ પ્રથમ વર્ષ દરમિયાન અમેરિકાની ઉપર એક સિન્ક્રોનાઇઝ્ડ ઓર્બિટમાં રહેશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ તારો પૃથ્વી પરના દૂરબીન પર ફોટોનનો નિશ્ચિત ઉત્સર્જન દર મોકલશે. અહીં ખગોળશાસ્ત્રીઓ કૃત્રિમ તારાની સાથે અવકાશની વસ્તુનું અવલોકન કરશે જેમાં તેમને રસ છે. તેનાથી તે ઓર્બિટની બ્રાઇટનેસનું આકલન કરવામાં મદદ મળશે. આશા છે કે આ મિશન સ્ટારની આસપાસના સ્થાનોની ઓળખ કરી શકશે. જ્યાં જીવન હોવાની કે તેની ઉત્પત્તિ થવાની સંભાવના છે. આ ઉપરાંત આ મિશન એલિયન્સના અસ્તિત્વ જેવા સવાલોનો પણ જવાબ આપી શકે છે.


