મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272 તથા ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળા ક્રમાંક 16 તથા જય જવાન નાગરિક સમિતિ સુરતના ઉપક્રમે શહીદ થયેલ જવાનના પરિવારનું શાળામાં ઉષ્માભેર આવકારવામાં આવ્યાં હતા. જેમાં પંજાબના વીર જવાન મનપ્રીતસિંહના પત્ની જગમીત તથા તેમની દીકરી વાની અને તેમના ભાઈ રાહુલ સાથે કુલ 3 વ્યક્તિ શાળામાં હાજર રહ્યા હતા. શાળામાં જય જવાન નાગરિક સમિતિના પ્રતિનિધિ રમેશ વાઘાણી દ્વારા શાળામાં તેઓને મુલાકાત હેતુ લાવવામાં આવ્યા હતા. આજના કારગીલ વિજય દિવસના અવસરે શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય રાકેશ ભિકડિયા તથા નિરંજના જાની, તેમની સાથે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર મહેશ અને ઋતાબેન પણ હાજર રહ્યાં હતાં. મહારાણા પ્રતાપ પ્રા. શાળાના આચાર્ય મિતેશ પ્રજાપતિ તમામનું સ્વાગત કર્યું હતું.
જવાનના પરિવારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા ક્રમાંક 272ના શિક્ષક રાજેશ ધામેલિયા દ્વારા શહીદ વીર જવાનની જુદી જુદી માહિતીઓ આપવામાં આવી હતી. વીર જવાનની ઝાંખી વીડિયો દ્વારા પણ વિદ્યાર્થીઓએ નિહાળી હતી. આ સાથે વીર જવાનના પત્ની દ્વારા પણ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને દેશ સેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પરિવાર શાળાની મુલાકાત લઈ ભાવવિભોર થયો હતો. જે તેમના ચહેરા ઉપરથી જણાય આવતું હતું. શાળાની શહીદાંજલિ પ્રોજેક્ટ વિશે જાણીને તેમણે બાળકોને પણ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. શાળા દ્વારા પરિવારની દીકરી માટે સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.


