- ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે પહેલાં મેટ્રો ટ્રેનની સેવા ખોરવી દેવાઈ અને હવે ટેલિકોમ્યુનિકેશન સેવાઓને ટાર્ગેટ બનાવાઈ
- મોટાપાયે કેબલો કાપી નાંખવામાં આવતા ફ્રાન્સનાં 6 પ્રાંતોમાં ટેલિકોમ સેવા ઠપ,
- નેટવર્કને ટાર્ગેટ બનાવવામાં આવતા ફિકસ્ડ તેમજ મોબાઇલ ફોન સર્વિસ ખોરવાઈ
પેરિસમાં કેટલાક કટ્ટરવાદીઓ દ્વારા ઓલિમ્પિક રમતો શરૂ થયાનાં એક દિવસ પહેલાં મેટ્રો ટ્રેન સેવાઓ ખોરવવામાં આવ્યા પછી સોમવારે બહુવિધ સંદેશાવ્યવહાર ખોરવી નાંખવામાં આવ્યો હતો.
કેટલાક ભાંગફોડિયા તત્ત્વો દ્વારા ફ્રાન્સનાં 6 પ્રાંતોમાં ફાઇબર ઓપ્ટિક નેટવર્કમાં ભાંગફોડ કરવામાં આવી હતી. મોટાપાયે કેબલો કાપી નાંખવામાં આવી હતી જેને કારણે સંદેશાવ્યવહાર સેવાને માઠી અસર થઈ હતી. કેટલીક ફિકસ્ડ તેમજ મોબાઇલ ફોન સેવા ખોરવાઈ ગઈ હતી. પેરિસ ઓલિમ્પિકની યજમાની કરતા ફ્રાન્સનાં કેટલાક શહેરો તેને કારણે પ્રભાવિત થયા હતા. જો કે ક્યાં કેટલી અસર થઈ છે અને ઓલિમ્પિકની રમતોને અસર થઈ છે કે કેમ તે જાણવા મળ્યું નથી. એવું જાણવા મળે છે કે
ફાઇબર ઓપ્ટિક નેટવર્કમાં ભાંગફોડની પેરિસમાં કોઈ અસર થઈ નથી. સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. ડિજિટલ અફેર્સ બાબતો સંભાળતા સેક્રેટરી ઓફ સ્ટેટ મરિના ફેરારીએ કહ્યું હતું કે, રવિવાર રાતથી સોમવાર સુધી કેટલાક વિસ્તારોમાં તેમજ ટેલિકોમ ઓપરેટર્સને ભારે નુકસાન થયું હતું. ફાઇબર ઓપ્ટિક લાઇનની સેવાઓ ખોરવાઈ હતી.
ફ્રાન્સ પોલીસના જણાવ્યા મુજબ આ ભાંગફોડિયા કૃત્યથી 6 પ્રાંતોમાં અસર થઈ હતી. જેમાં ઓલિમ્પિક સોકર તેમજ સેઇલિંગની સ્પર્ધાનું આયોજન કરનાર શહેર માર્સેલિને પણ અસર થઈ છે.
ટેલિકોમ ઓપરેટર્સને અસર :
ટેલિકોમ ઓપરેટર્સ બોયગ્યુસ તેમજ ફ્રીને માઠી અસર થઈ છે. તેમની સેવાઓ ખોરવાઈ ગઈ છે. SFR લાઇન્સ પણ પ્રભાવિત થઈ છે. ફ્રીની પેરન્ટ કંપનીના જણાવ્યા મુજબ તેમની ટીમ સેવાઓ ફરી શરૂ કરવા કામે લાગી છે. આ અગાઉ ઓલિમ્પિક્સ ગેમ્સ શરૂ થવાના એક દિવસ પહેલાં ફ્રાન્સની હાઈ સ્પીડ ટ્રેન નેટવર્ક પર સુઆયોજિત હુમલા કરાયા હતા અને ટ્રેનોનું નેટવર્ક ખોરવાયું હતું. જેને કારણે 8 લાખ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. જો કે તબક્કાવાર ટ્રેન સેવા શરૂ કરવામાં આવતા 7 લાખ લોકો પ્રવાસ કરી શક્યા હતા. ટ્રેનો રદ થવાથી એક લાખને માઠી અસર થઈ હતી.
છ સરકારી વિભાગોને અસર પહોંચી, ફૂટબોલ મેચ ચાલતી હતી ત્યાં સેવા ખોરવાઈ
ફ્રેન્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ છ જેટલા વહીવટી વિભાગને આ બ્રેકડાઉનથી અસર થઈ હતી. માર્સેલી ખાતે ઓલિમ્પિક ફૂટબોલ મેચ અને સેઈલિંગ સ્પર્ધા પણ ચાલી રહી હતી ત્યાં સેવા ખોરવાઈ હતી. અન્ય કેટલીક જગ્યાએ અસર પહોંચી છે તે જાણી શકાયું નથી. મોટાભાગે દક્ષિણ ફ્રાન્સમાં જાણીજોઈને ઈલેક્ટ્રિકલ કેબલ કાપવામાં આવ્યા હોય તેવું પણ પોલીસે નોંધ્યું હતું. આ કિસ્સામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તપાસ ચાલુ હોવાનું પોલીસે કહ્યું હતું.
ટ્રેન સેવા ખોરવવા માટે એકની ધરપકડ :
ફ્રાન્સનાં સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ટ્રેન સેવાઓ ખોરવવા માટે SNCF રેલ કંપનીના એક ડાબેરી એક્ટિવિસ્ટની ધરપકડ કરવામાં આવી હતી. ઓઈસેલમાંથી તેને પકડવામાં આવ્યો હતો તેની પાસેથી SNCF ટેક્નિકલ પ્રિમાઇસિસની ચાવીઓ, ટૂલ્સ તેમજ કેટલુંક સાહિત્ય જપ્ત કરાયું હતું.


