- અડાજણના શિવાલિક કોમ્પ્લેક્ષની ઘટના
- ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી
- ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે ખસેડાયા
સુરતના અડાજણમાં એલિવેશન પડવાની ઘટના સામે આવી છે. શહેરના શિવાલિક કોમ્પલેક્ષમાં આ ઘટના બની છે. એલિવેશન પડતા બે કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે હાલમાં ઈજાગ્રસ્ત થયેલા બંને કામદારોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી
શિવાલિક કોમ્પલેક્ષમાં એલિવેશનમાં રીપેરીંગ માટે પાલક બાંધતા સમયે આ ઘટના બની છે. ઉપરથી એલિવેશન પડતા લોકોમાં ભાગદોડ મચી હતી અને ફાયર વિભાગની ટીમ અને 108ની ટીમને જાણ કરતા બંને ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને હાલમાં બંને કામદારને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી
ત્યારે બીજી તરફ શહેરમાં મેટ્રો ટ્રેની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. જેમાં પણ એક બેદરકારીની ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં આ બનાવ બન્યો છે. મેટ્રોના સ્પાનમાં તિરાડ પડી છે અને જેના કારણે સ્પાન થોડો નીચે નમી પડ્યો, જો કે તિરાડ બાદ સ્પાન તૂટી ના પડતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત હાલતમાં
સુરતની નવી સિવિલ હોસ્પિટલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. જેમાં બિલ્ડીંગને ટકાવી રાખવા લોખંડના ટેકા મારવામાં આવ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દિવાલો પણ જર્જરિત થઈ ગઈ છે પણ સિવિલ હોસ્પિટલને રીપેરીંગના નામે લીપા પોતી થઈ રહી છે. હોસ્પિટલમાં હજારો લોકો દરરોજ સારવાર માટે આવે છે. થોડા સમય પહેલા જ નવી સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટમાં આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટી પડ્યો હતો અને ભાગદોડ મચી ગઈ હતી.
ગઈકાલે વડોદરામાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થયો હતો
ગઈકાલે વડોદરાના વાડી વાયડાપોળ વિસ્તારમાં જર્જરિત મકાનનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહતી, તમને જણાવી દઈએ કે પહેલા પણ આ મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો. જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થતા મકાનમાં રહેતા માતા અને પુત્રીનો આબાદ બચાવ થયો હતો અને મકાનનો ભાગ ધરાશાયી થતાં જ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે આવીને કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યુ હતું.


