- ઈન્ડોનેશિયાએ ગોલ્ડન વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો છે
- આ વિઝા દ્વારા વિદેશી રોકાણકારો ઈન્ડોનેશિયામાં પાંચથી દસ વર્ષ સુધી રહી શકે છે
- ઈન્ડોનેશિયા ગોલ્ડન વિઝા કેવી રીતે મળશે જાણો
ઈન્ડોનેશિયાએ શ્રીમંત વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ગોલ્ડન વિઝા પ્રોગ્રામ નામની નવી વિઝા યોજના શરૂ કરી છે. આ વિઝા દ્વારા વિદેશી રોકાણકારો કાયદેસર રીતે ઈન્ડોનેશિયામાં પાંચથી દસ વર્ષ સુધી રહી શકે છે. આ યોજના એવા લોકોને રહેઠાણ પ્રદાન કરે છે જેઓ ઈન્ડોનેશિયામાં આર્થિક રોકાણ કરવા માંગે છે.
ઈન્ડોનેશિયા ગોલ્ડન વિઝા આ રીતે મળશે
- $2.5 મિલિયનનું રોકાણ: પાંચ વર્ષના વિઝા માટે.
- $5 મિલિયનનું રોકાણ: દસ વર્ષના વિઝા માટે.
- $350,000 રોકાણ: રાજ્યની માલિકીની બેંકમાં રોકાણ પાંચ વર્ષના વિઝા માટે.
- $700,000 રોકાણ: દસ વર્ષના વિઝા માટે.
- $130,000 નું રોકાણ: રાજ્યની માલિકીની બેંકમાં જમા કરાવવી અને ઓછામાં ઓછા $1 મિલિયનની કિંમતનું એપાર્ટમેન્ટ ખરીદવું.
- કંપનીઓ માટે: $25 મિલિયનનું રોકાણ કરી પાંચ વર્ષના વિઝા માટે અને $50 મિલિયનનું રોકાણ કરીને દસ વર્ષના વિઝા માટે તેમના ડિરેક્ટરો અને કમિશનરો માટે ગોલ્ડન વિઝા મેળવી શકે છે.
પ્રારંભિક સફળતા અને લક્ષ્યોની જાહેરાત
ઈન્ડોનેશિયાના ઈમિગ્રેશન ચીફ સિલ્મી કરીમે જણાવ્યું હતું કે ગોલ્ડન વિઝા માટેની ટ્રાયલ પ્રક્રિયા ગયા વર્ષે ઓગસ્ટમાં શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત લગભગ 300 અરજદારોને રહેઠાણ પરમિટ આપવામાં આવી હતી અને $123 મિલિયનના રોકાણે આકર્ષિત કર્યું હતું. કરીમે એમ પણ કહ્યું હતું કે ઈન્ડોનેશિયા આ વર્ષના અંત સુધીમાં કુલ 1,000 ગોલ્ડન વિઝા આપવાનું લક્ષ્ય ધરાવે છે.
વિદેશી કંપનીઓ માટે તકો
આ નવા વિઝા હાલમાં ઈન્ડોનેશિયામાં કાર્યરત આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે પણ નવી તકો લાવશે. ઉદાહરણ તરીકે, માઈનિંગ કંપની કે જે તેના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા માંગે છે તે તેના વિદેશી કર્મચારીઓ માટે ગોલ્ડન વિઝા મેળવી શકે છે. આનાથી કંપનીઓને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવામાં અને ઉચ્ચ ગુણવત્તાવાળા કર્મચારીઓની ભરતી કરવામાં મદદ મળશે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
વિશેષ યોજના બનાવવામાં આવી
કરીમે એમ પણ જણાવ્યું હતું કે અધિકારીઓએ ઈન્ડોનેશિયન મૂળના આંતરરાષ્ટ્રીય નાગરિકોને વિશેષ દરજ્જો આપવા માટે નવી રીતો પર ચર્ચા કરી છે, જેમ કે ભારતની ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા યોજના. આ યોજના ઈન્ડોનેશિયા મૂળના આંતરરાષ્ટ્રીય નાગરિકોને ઈન્ડોનેશિયામાં અમર્યાદિત સમયગાળા માટે રહેવા અને કામ કરવાની મંજૂરી આપશે. તે ઓક્ટોબર સુધીમાં જાહેર થવાની શક્યતા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ઓપનએઆઈ સીઈઓ સેમ્યુઅલ અલ્ટમેન ગોલ્ડન વિઝા મેળવનાર પહેલા વ્યક્તિ બન્યા છે.


