- માળા બહુ જ વૈજ્ઞાનિક વસ્તુ છે. તમે જાણતા હશો કે લગભગ દરેક ધર્મમાં માળાનો મહિમા છે. ઈસ્લામ ધર્મમાં તસબીહ રાખે છે. ગુરુનાનકમાં `જપુજી’ જપનારાઓ પણ માળા રાખે છે
એક રસાયણ છે ધર્મ-રસાયણ. ધર્મને કેવળ સિદ્ધાંતોમાં ન રાખીએ, કેવળ શબ્દાર્થોમાં ન રાખીએ તો ધર્મ-રસાયણ થશે. બીજું રસાયણ છે ભક્તિ-રસાયણ. ભક્તિ-રસાયણ પણ આપણને શક્તિ આપે છે, સ્ફૂર્તિ આપે છે, સ્મૃતિ આપે છે, પવિત્રતા વધારે છે અને જીવનની તેજસ્વિતામાં ઉમેરો કરે છે.
ત્રીજું રસાયણ છે કામ-રસાયણ. રસાયણના રૂપમાં એને સ્વીકારવું પડશે, કેમ કે કામનું ચતુર્પુરુષાર્થમાં એક સ્થાન છે. એનો અનાદર નહીં કરી શકાય, પરંતુ કામ-રસાયણને કારણે શક્તિ ઓછી થાય છે! લાગે છે કે એક પ્રકારની ઊર્જા પેદા થાય છે, પરંતુ તત્ત્વત: ધીરે-ધીરે શક્તિ ક્ષીણ થાય છે. ભર્તૃહરિ મહારાજે કહ્યું છે, ભોગ ક્યારેય ભોગવી નથી શકાતો, માણસ ખુદ ભોગવાઈ જાય છે. કામ-રસાયણમાં સ્ફૂર્તિ પણ નથી રહેતી. કામ-રસાયણ ધીરે ધીરે સ્મૃતિનો લોપ કરે છે. આપણે ત્યાં ભારતની પદ્ધતિમાં બ્રહ્મચર્યાશ્રમ કેમ આવ્યો? એ બહુ મોટી અદ્ભુત પદ્ધતિ છે, કેમ કે એક અવસ્થામાં ખોટા રસાયણનું સેવન થઈ ગયું હશે તો તમારી સ્મૃતિનો લોપ થઈ જશે. કામ-રસાયણને કારણે તેજ ઓછું થઈ જાય છે. માણસ નિસ્તેજ બનવા લાગે છે અને એની પવિત્રતા તથા પ્રસન્નતા તો ઓછી થઈ જ જાય છે.
ચોથું છે નામ-રસાયણ. કળિયુગ એ નામ-રસાયણનો સમય છે. હું વારંવાર કહું છું કે કોઈ નામનું દબાણ નથી. જેના દિલમાં જે નામ માફક આવે એ લો. તો આ કળિયુગ એ નામ-રસાયણની મોસમ છે. જે નામ લેશે એમને ઘણી શક્તિ મળશે. જે નામ લેશે એમની સ્ફૂર્તિ આઠેય પ્રહર રહેશે. જે નામ લેશે એમનું તેજ વધશે. જે નામ લેશે એમની સ્મૃતિ ઘણી પવિત્રતાને વધારતી આગળ વધશે. ફરી ફરીને હું નામ પર આવી જાઉં છું, કેમ કે `એહિ મહ રઘુપતિ નામ ઉદારા.’ તત્ત્વત: `માનસ’માં શું છે? રામનું નામ છે. પ્રભુનું નામ છે. સાધનામાં તમારી રુચિ હોય એ જરૂર કરજો, પરંતુ નામ-રસાયણ છોડશો નહીં. અમે માળા પર નામ શા માટે જપીએ છીએ એની તમને ખબર છે? હું તો કોઈ આગ્રહ નથી રાખતો, પરંતુ બધા લોકો માળા કેમ પસંદ કરે છે? માળા પર જાપ કરનારા એનો સંકેત સમજે કે પરિવારને જોડીને રાખો, પરસ્પર પ્રેમ રાખો અને માળાનો મેરુ સદ્ગુરુ હોય છે, એનું ક્યારેય અતિક્રમણ ન કરો. ભૂલથી પણ સદ્ગુરુ પાસે ક્યારેય વાયદો ન કરવો. વાયદો કર્યો તો નિભાવવો. માળા બહુ જ વૈજ્ઞાનિક વસ્તુ છે. તમે જાણતા હશો કે લગભગ દરેક ધર્મમાં માળાનો મહિમા છે. ઈસ્લામ ધર્મમાં તસબીહ રાખે છે. ગુરુનાનકમાં `જપુજી’ જપનારાઓ પણ માળા રાખે છે. એ ધાગાની, કપડાંની કે બીજી કોઈ પણ હોય, પરંતુ એ માળાનો આશ્રય કરે છે. જૈનોમાં નવકાર ગણવામાં આવે છે. બુદ્ધને માનનારા પણ એ ઘુમાવતા રહે છે.
નામ-રસાયણથી શક્તિ બહુ આવશે. મને ફરી દાદાનું એક સ્મરણ તાજું થાય છે. એક સાંજે હું દાદાને ચા આપવા ગયો હતો. તો ચા પીતાં-પીતાં તેઓ બોલ્યા કે બેટા, ઉત્તરોત્તર ચોપાઈનો વધારે અર્થ તને વિના પ્રયાસે સમજાશે અને હું એ અનુભવ કરી રહ્યો છું. બુદ્ધપુરુષ શું નથી કરી શકતા? કાં તો એમના પર બધું છોડી દો, કાં એમને છોડી દો. બેઈમાની ન કરવી જોઈએ! હું ક્યાં કાશી ભણવા ગયો છું? મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયેલો માણસ છું! મારી પાસે લોકો આવે છે ને કહે છે, વ્યાસપીઠ પર પી.એચ.ડી. કરવું છે. આ નામપ્રતાપ છે. નામ પકડી રાખો. માળા માલામાલ કરી દેશે! માણસને ધન્ય-ધન્ય કરી દેશે. વ્રજવાસી શું ભણ્યા હતા? કબીરસાહેબ શું ભણ્યા હતા? જિસસ ક્રાઈસ્ટ શું ભણ્યા હતા? મહમ્મદ પયગંરસાહેબ કેટલું ભણ્યા હતા? બધાનો ઈતિહાસ જુઓ, પરંતુ એ લોકોએ કંઈક એવું તત્ત્વ પકડી લીધું હતું, જે તત્ત્વથી જીવન કંઈક જુદું જ નીખરી આવ્યું! માની લો કે તમારી પાસે એક કરોડ રૂપિયાનો હીરો હોય, પરંતુ એ હીરો હીરાના રૂપમાં જ રહેશે અને તમને ભૂખ લાગશે તો હીરાથી તમારી ભૂખ ભાંગશે નહીં. એ હીરાનું મૂલ્ય જાણીને એને રોટીમાં રૂપાંતરિત કરવાથી એ રોટીથી પેટ ભરાય છે. હીરો મોંમાં ચૂસવાથી વાત બનશે નહીં. હું તો ત્યાં સુધી માનું છું કે આપણે જીવમાંથી શિવ પણ નથી થવું. જીવ જ રહેવું છે. જીવ રહીએ બસ, પરંતુ જીવવાનું શીખી લઈએ. માખીને ગરુડ થવાની જરૂર નથી. માખી, માખી પર્યાપ્ત છે. જીવ, જીવ પર્યાપ્ત છે. કોઈ ઉપલબ્ધિઓથી મહાનતા મળે એ ખાક ઉપલબ્ધિ છે! હું માખીનું દૃષ્ટાંત સમજીને આપી રહ્યો છું. માખી પથ્થર પર બેસે છે ત્યારે એ ધારે ત્યારે ઊડી શકે છે. એ મુક્ત છે, પરંતુ પથ્થર પર બેસવાથી માખીને સ્વાદ પ્રાપ્ત નથી થતો, મુક્તિ મળે છે. માખી ત્યાંથી ઊડીને કોઈ ગંદકી પર બેસે છે. તો શું થાય છે કે ત્યાં તો મુક્ત થઈ શકે છે, પરંતુ ગંદકી પર બેસવાથી થોડો સ્વાદ મળી શકે છે. એ સ્વાદ નથી, એ વિકાર છે. એ જ માખી ઊડીને મધ પર બેસી જાય તો એના પગ ચોટી જશે. ત્યાં સ્વાદ આવશે, મુક્તિ નહીં મળે. હવે એ ઊડી નહીં શકે. તો ક્યાંક મુક્તિ છે તો સ્વાદ નથી. ક્યાંક બંધન છે, સ્વાદ છે, તો બેસૂરો સ્વાદ છે. ક્યાંક મજાનો સ્વાદ છે તો મુક્તિ નથી, પરંતુ એ માખી એક સાકર પર બેસી જાય તો? ત્યાં મુક્તિ પણ છે અને સ્વાદ પણ છે. રામનામ સાકરનો ગાંગડો છે. એના પર બેસો તો મુક્તિ જ મુક્તિ છે અને સ્વાદ જ સ્વાદ છે. તો પ્રભુનું નામ એવી મધુરતા છે. એ મુક્તિ પણ આપે છે અને સ્વાદ પણ આપે છે.
મારા અનુભવે મને લાગે છે કે જે નામનું રસાયણ પીશે એ શરૂઆતમાં સ્વકેન્દ્રી જ રહેશે. નામ જપતા જ રહેશે, પરંતુ પોતાના વિશે જ વિચારશે. નામ-રસાયણ જેમ-જેમ નસમાં ચડશે, તેમ એનું કેન્દ્ર બદલાતું જશે. અનુભવ કરજો. આરંભમાં નામ-રસાયણ સ્વકેન્દ્રી બનાવે છે. મારો ધંધો, મારું કામ. એ પણ સારું છે કે બીજાની ઝંઝટમાં ન પડીએ. આપણો સંસાર સંભાળીને બેસીએ અને હરિનામ લઈએ! પરંતુ નામ માણસને એક જ જગ્યાએ નથી રહેવા દેતું. એનો ઉત્કર્ષ કરે છે. જેમ-જેમ એ રસાયણનું વધારે સેવન કરવામાં આવશે તેમ માણસ સ્વકેન્દ્રથી સ્વજનકેન્દ્રી થઈ જશે. મારા પરિવારના લોકો, મારા પાડોશીઓ એ બધાનું વિચારશે કે મને નામનો આનંદ આવ્યો, કદાચ એ લોકોને પણ આવે. તેઓ પણ થોડો ઘૂંટ પી લે.
સ્વકેન્દ્રથી સ્વજન કેન્દ્ર અને ત્યારબાદ માણસ નામ જપ કરતો રહે છે તો એનું એક ત્રીજું કેન્દ્ર આવે છે, એ છે સમાજકેન્દ્ર. પછી સમાજની સેવા કરશે. સાધુ નામ પણ જપશે, તો ક્યાંક ભૂકંપ થયો હશે ત્યાં પણ પહોંચી જશે. ક્યાંક સુનામી આવી હશે, ત્યાં પણ પહોંચી જશે. કોઈ ભૂખ્યું હશે, ત્યાં પંગત લગાવી દેશે. માણસ ધીરે ધીરે સમાજકેન્દ્રી થઈ જશે. જે જે લોકો નામ-રસાયણ પીએ છે, તેઓ અંતે વિશ્વકેન્દ્રમાં પહોંચી જાય છે, કેમ કે નામ વૈશ્વિક બનાવ્યા વિના નથી રહી શકાતું. ગાંધીબાપુએ સત્યાગ્રહ કર્યો, વકીલાત કરી એ જુદી વાત છે, પરંતુ કેન્દ્રમાં નામ ગુંજતું રહ્યું હતું. ગાંધીનો સમગ્ર વિકાસ જો મારા વ્યક્તિગત અભિપ્રાય મુજબ આપવા માગું તો હું કહીશ કે એ નામ-રસાયણનો વિકાસ છે. એ માણસ વિશ્વકેન્દ્રી બની ગયા. યુનોએ બીજી ઓક્ટોબરને `અહિંસાદિન’ મનાવવો પડે છે! નવી તાલીમ, ગ્રામોદ્વાર જેવા કેવા કેવા પ્રયોગ કરાવ્યા એ વૈશ્વિક માનવે? પરંતુ હું તો નામ-રસાયણના પથવાળો માણસ છું એટલે મને તો ગાંધીમાં એ નામનો પ્રભાવ જ દેખાય છે. તો નામ-રસાયણ માણસને સ્વકેન્દ્રથી વિશ્વકેન્દ્રની યાત્રા કરાવે છે. વિનોબાજી સ્વકેન્દ્રી જ હતા. એમને હિમાલય ચાલ્યા જવું હતું. બસ મોક્ષ, મુક્તિ, પરંતુ વચ્ચે ગાંધી મળી ગયા. ધીરે ધીરે તેઓ સ્વજનકેન્દ્રી થઈ ગયા. પછી આગળ વધીને સમાજકેન્દ્રી થઈ ગયા અને મહામુનિ વિનોબા અંતે `જય જગત’નો નારો દુનિયામાં લગાવીને વિશ્વકેન્દ્રી બની ગયા.