રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ
ચેક બાઉન્સ કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું : 60 દિવસમાં રૂ. 9.27 લાખ ચૂકવવાનો આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની બેંક કર્મચારીઓ માટે કાર્યરત ક્રેડિટ સોસાયટીમાંથી લોન લઈને વર્ષો સુધી બાકી રાખનાર બેંક ઓફ બરોડાના કર્મચારીને રાજકોટ કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ બાકી રહેલી રૂ. 9.27 લાખથી વધુની રકમ 60 દિવસની અંદર ચૂકવવાનો હુકમ કરવામાં આવતા બેંકિંગ વર્તુળોમાં ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ, ઉપલેટા તાલુકાના સોડવદર ગામના રહેવાસી અને બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા નિલેશભાઈ દિનેશભાઈ કડવાતરે રાજકોટ બેંકર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી પાસેથી અલગ અલગ સમયે જનરલ લોન, કન્ઝ્યુમર લોન તેમજ ફૂડ લોન મેળવી હતી. સમય જતાં આ લોનની બાકી રકમ વધીને રૂ. 9,27,912 સુધી પહોંચી હતી. સોસાયટી દ્વારા વારંવાર ઉઘરાણી છતાં રકમ પરત ન મળતાં આરોપીએ બાકી લેણું ચૂકવવા માટે ચેક આપ્યો હતો. પરંતુ બેંકમાં રજૂ કરતાં ચેક પરત ફરતાં સોસાયટીએ વર્ષ 2018માં રાજકોટની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
કેસની સુનાવણી દરમિયાન આરોપી દ્વારા સમાધાનના બહાનાં હેઠળ વારંવાર મુદતો લેવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું. બીજી તરફ ફરીયાદી સોસાયટીએ લોન સંબંધિત જરૂરી દસ્તાવેજો અને વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓનો આધાર રજૂ કરી પોતાનું કાયદેસર લેણું સાબિત કર્યું હતું. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને રાજકોટની 8મી અધિક એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે નિલેશભાઈ કડવાતરને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. સાથે જ ચેક મુજબની રૂ. 9,27,912ની રકમ 60 દિવસમાં સોસાયટીને ચૂકવવાનો આદેશ કર્યો છે. ઉપરાંત આરોપી સામે બિનજામીનપાત્ર સજાનું વોરંટ પણ ઇસ્યૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ફરીયાદી પક્ષ તરફથી જાણીતા ધારાશાસ્ત્રીઓ કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ સહિતની વકીલોની ટીમે દલીલો રજૂ કરી હતી. કોર્ટે તેમની દલીલો અને પુરાવાઓને માન્ય રાખતાં ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળે છે.


