- દેશમાં સૌથી વધુ રકમની લોનો મેળવવામાં રાજ્યનો ત્રીજો નંબર
- રાજ્યએ આ લોનોનું મુદ્દલ ચૂકવવું પડશે, બાંયધરી પ્રમાણે વ્યાજ કેન્દ્ર સરકાર ભોગવશે
- લોનની મુદ્દલ રકમ જે તે રાજ્યએ લોનનો સમયગાળો પૂર્ણ થયેથી કેન્દ્રને પાછી અપવાની છે
ગુજરાત સરકારને કેન્દ્ર સરકારે જીએસટી વળતરમાં પડેલી ઘટ સંદર્ભે વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં કુલ રૂ.22 , 262.21 કરોડની લોન આપેલી છે. કેન્દ્ર સરકારે તેના ચાલુ વર્ષના બજેટ દસ્તાવેજમાં આ બાબત જાહેર કરી છે. રાજ્યને આ લોન ઉક્ત બે વર્ષમાં ચાર હપતે અપાઈ છે. જેમાં 2020-21 માં ત્રણ વર્ષની અને પાંચ વર્ષની લોન પેટે કુલ રૂ. 9222 કરોડ તથા 2021-22માં 2 વર્ષની લોન પેટે રૂ.1886.34 કરોડ અને પ વર્ષની લોન પેટે રૂ.11,153.83 કરોડ અપાયા છે.
કેન્દ્ર સરકારે દેશના બધા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોને ઉક્ત બે વર્ષમાં કુલ રૂ.2,69,208 કરોડની લોનો જીએસટી વળતરમાં પડેલી ઘટ સંદર્ભે આપેલી છે. કેન્દ્ર સરકારે આ લોનનું વ્યાજ પોતે ભોગવવાની અગાઉ જાહેરાત કરેલી છે, પણ લોનની મુદ્દલ રકમ જે તે રાજ્ય અને પ્રદેશએ લોનનો સમયગાળો પૂર્ણ થયેથી કેન્દ્રને પાછી અપવાની છે. કેન્દ્ર સરકારે એ પણ જાહેર કર્યું છે કે, 2023-24માં તેણે રૂ.78,104 કરોડની લોનો રિકવર કરી છે, જ્યારે ચાલુ વર્ષ 2024-25માં કેન્દ્ર સરકાર રૂ.1,23,604 કરોડની લોનો રિકવર કરવાની છે. કેન્દ્રીય દસ્તાવેજમાં ગુજરાતે કેટલી મુદ્દલ પાછી ચૂકવી કે ચૂકવવાનું છે તેનો ઉલ્લેખ થયો નથી. દેશમાં પહેલી જુલાઈ, 2016થી જીએસટીનો અમલ શરૂ થયો હતો, જેમાં 2015-16નું વર્ષનું પાયાનું ગણી દર વર્ષે 14 ટકા લેખે જીએસટી આવક ના વધે તો ઘટની રકમ જે તે રાજ્યને ચૂકવવા કેન્દ્ર સરકારે બાંયધરી આપી હતી. પરંતુ એ પછી કોરોનાકાળમાં મંદીને કારણે કેન્દ્ર સરકારે ઘટની રકમ લોન રૂપે આપવાનું શરૂ કર્યું હતું. જીએસટી વળતરમાં ઘટ સંદર્ભે સૌથી વધુ રકમની લોન લેનારા રાજ્યોમાં ગુજરાતનો ત્રીજો ક્રમ છે. સૌથી વધુ રૂ.30,516 કરોડની લોનો કર્ણાટક દ્વારા મેળવાઈ છે, જ્યારે બીજા નંબરે રૂ.25,759 કરોડની લોનો મહારાષ્ટ્રએ લીધી છે.


