- પાકિસ્તાનમાં આતંકવાદ, મોંઘવારી, ગરીબી ચરમસીમાએ
- ગમે ત્યારે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થઈ શકે છે
- ડયૂટીથી પરત ફરતા જજના કાફલા પર હુમલામાં બે પોલીસકર્મીઓના મોત
પાડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદની કેટલી હદ સુધી ધાક છે, એ વાતનું અનુમાન જજના કાફલા પર આતંકી હુમલો થયો તેનાથી સમજી શકીએ છીએ. પાકિસ્તાનમાં એક જજના કાફલા પર આતંકવાદી હુમલાની ખબર સામે આવી છે. આ હુમલો એ સમયે થયો જયારે જજ ડયૂટીથી પરત આવી રહ્યા હતા. હુમલાની ઘાત લગાવીને રસ્તામાં સંતાયેલા આતંકવાદીઓએ જજના કાફલા પર અચાનક જ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું.
આ આતંકવાદી હુમલો પાકિસ્તાનના સૌથી અશાંત એવા ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં થયો હતો. કોર્ટ કચેરીથી પરત આવી રહેલા જજના કાફલા પર હુમલો થયો હતો. આ હુમલામાં સ્થાનિક પોલીસના બે પોલીસ જવાનો પણ માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં આવેલા અને સૌથી અશાંત વિસ્તાર એવા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં ટેંક જિલ્લાની કોર્ટમાં ફરજ પતાવી નિવાસસ્થાને જતા જજના કાફલા પર હુમલો થયો. જો કે સઘન સુરક્ષા છતાં હથિયારધારી આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. આ ઘટના પછી પાકિસ્તાન પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે હુમલાનો રિપોર્ટ આપ્યો
પાકિસ્તાનમાં જજના કાફલા પર આતંકવાદી હુમલાને લઈ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના પછી પાકિસ્તાનના ગૃહમંત્રાલયે આતંકી હુમલાને લઈ એક રિપોર્ટ જાહેર કર્યો છે. નેશનલ એસેમ્બલીમાં ગૃહ મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં વર્ષ-2023માં 1,514 આતંકી હુમલા થયા જેમાં 2,922 લોકોનાં મોત થયા હતા.


