- હોટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં લગાવાયેલી આગ ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી
- આગમાં એક ઇન્ડોનેશિયન નાગરિક સહિત ઓછામાં ઓછા 24 લોકો જીવતા ભુંજાયા
- આ હોટલના માલિક અવામી લીગ પાર્ટીના મહાસચિવ શાહિન ચક્કલદાર હતા
બાંગ્લાદેશ અરાજકતાના માર્ગે આગળ વધી રહ્યું છે. વડાંપ્રધાન શેખ હસીના દ્વારા રાજીનામું આપીને દેશ છોડીને ભાગી છૂટયા બાદ પણ દેશમાં શાંતિ સ્થાપિત થઈ શકી નથી.બાંગ્લાદેશના સ્થાનિક પત્રકારો અને હોસ્પિટલના અનુસાર અવામી લીગ પાર્ટીના એક નેતાની માલિકીની એક સ્ટાર રેટેડ હોટેલને તોફાની તત્ત્વોએ આગ ચાંપી દીધી હતી જેમાં એક ઇન્ડોનેશિયન નાગરિક સહિત ઓછામાં ઓછા 24 લોકો જીવતા ભુંજાઈ મર્યા હતા.
મૃતકોમાં મોટાભાગે તેવા લોકો હતા જેઓ આ હોટેલમાં જમવા આવતા હતા. ટોળાંએ સોમવારે રાત્રે ઝબીર ઇન્ટરનેશનલ હોટેલમાં આગ લગાવી હતી. આ હોટલના માલિક અવામી લીગ પાર્ટીના મહાસચિવ શાહિન ચક્કલદાર હતા જે જોશોર જિલ્લામાં આવેલી છે. મૃતકોમાં એક ઇન્ડોનેશિયન નાગરિક પણ સામેલ છે. સ્થાનિક પત્રકારોના અનુસાર જોશોર જનરલ હોસ્પિટલના તબીબોએ પણ આ વાતને અનુમોદન આપ્યું હતું કે તેમણે 24 મૃતદેહો ગણ્યા છે. ઘટનામાં બચી ગયેલા હોટેલ સ્ટાફનું કહેવું હતું કે કાટમાળમાંથી વધારે મૃતદેહો પણ મળી શકે છે. અહેવાલો અનુસાર અવામી લીગ પાર્ટી વિરોધી ટોળાંએ હોટલના ગ્રાઉન્ડ ફ્લોરને આગ લગાવી હતી જે જોતજોતામાં જ ઉપરના માળો સુધી પ્રસરી ગઇ હતી. સમગ્ર બાંગ્લાદેશમાં હાલ અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકરો સહિત હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.


