- 2023માં આલ્ફાબેટના કુલ વેચાણમાં ગૂગલ એડવર્ટાઇઝિંગનો હિસ્સો 77 ટકા હતો
- ગૂગલ અબજો ડોલર ખર્ચીને વિશ્વનું ડિફોલ્ટ સર્ચ એન્જિન બન્યું છે
- 90 ટકા ઓનલાઇન અને 95 ટકા સ્માર્ટફોન સર્ચ માર્કેટ પર ગૂગલનો કંટ્રોલ
અમેરિકી ટેક જાયન્ટ ગૂગલ સામે ફેડરલ ઓથોરિટીઝની પહેલી મોટી જીત સમાન ઘટનાક્રમમાં સોમવારે અમેરિકી કોર્ટના જજે ઠરાવ્યું છે કે ગૂગલે એન્ટીટ્રસ્ટ લૉનું ઉલ્લંઘન કરી ઇન્ટરનેટ સર્ચ એક્ટિવિટી પર ગેરકાયદે ઇજારો મેળવવા અબજો ડોલર ખર્ચ્યા છે અને તે સમગ્ર વિશ્વનું ડિફોલ્ટ સર્ચ એન્જિન બની ગયું છે.
વોશિંગ્ટનની ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદાથી સંભવિત સુધારા નક્કી કરવા માટે બીજી ટ્રાયલનો માર્ગ મોકળો થયો છે, જેમાં સંભવતઃ ગૂગલની પેરન્ટ કંપની આલ્ફબેટના વિભાજનનો સમાવેશ થાય છે. આમ થયું તો ગૂગલનું જેના પર વર્ષોથી પ્રભુત્વ છે તે ઓનલાઇન જાહેરાતની દુનિયા ધરમૂળથી બદલાઇ જશે. વોશિંગ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અમિત મહેતાએ ચુકાદામાં નોંધ્યું હતું કે ગૂગલ એકાધિકારવાદી છે અને તેણે એકાધિકાર જાળવી રાખવાનું કામ કર્યું છે. 90 ટકા ઓનલાઇન અને 95 ટકા સ્માર્ટફોન સર્ચ માર્કેટ પર ગૂગલનો કંટ્રોલ છે. કોર્ટના ચુકાદાને પગલે સોમવારે આલ્ફાબેટનો શેર 4.5 ટકા તૂટયો હતો. નોંધનીય છે કે 2023માં આલ્ફાબેટના કુલ વેચાણમાં ગૂગલ એડવર્ટાઇઝિંગનો હિસ્સો 77 ટકા હતો. આલ્ફાબેટે જણાવ્યું હતું કે તે ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવા અંગે વિચારી રહી છે.
જજ અમિત મહેતાનો જન્મ પાટણમાં થયો છે
યોગાનુયોગ મૂળ ભારતીય સુંદર પિચાઇના નેતૃત્વ હેઠળની ગૂગલ સામે ચુકાદો આપનારા જજ અમિત મહેતા ગુજરાતી છે. તેમનો જન્મ પાટણમાં થયો હતો. ગૂગલના સીઇઓ પિચાઇ મદુરાઇમાં જન્મ્યા હતા. 2022માં અમિત મહેતાએ જ અમેરિકી સંસદ પરના હુમલાના કેસોમાં સંપૂર્ણ માફીના ટ્રમ્પના દાવાને નકારી કાઢયો હતો અને આ વર્ષની શરૂઆતમાં તેમણે ટ્રમ્પના પૂર્વ સલાહકાર પીટર નાવારોને સંસદના તિરસ્કાર બદલ ચાર મહિનાની જેલની સજા ફ્ટકારી હતી.


