- ઇરાન અને લેબેનોન માત્ર ધમકી આપતા રહી ગયા
- હાનિયા અને ફઉદની હત્યા બાદ મધ્ય-પૂર્વમાં પ્રવર્તી રહેલી ભારે તંગદિલી
- ઇરાન ગમે ત્યારે યુદ્ધનો મોરચો ખોલી શકે છે
મધ્ય-પૂર્વમાં સતત ઘેરાઈ રહેલા સંકટ વચ્ચે ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબેનોનમાં બુધવારે રાતભર હુમલા કરીને હિઝબુલ્લાના ઘણા ઠેકાણા ધ્વસ્ત કરી દીધા છે. ઇઝરાયેલને નિશાન બનાવી હુમલાની ઇરાન અને લેબેનોનની ધમકીઓ વચ્ચે આ હુમલા થયા છે. હમાસનો વડો ઇસ્માઇલ હાનિયા ગત 31 જુલાઈએ ઇરાનમાં ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયા બાદથી મધ્ય-પૂર્વમાં તંગદિલી ચરમસીમા પર છે.
ઇરાને હાનિયાના મોતનો બદલો લેવાનું એલાન કરી ઇઝરાયેલને પાઠ ભણાવવાની ધમકી આપી હતી. ઇરાન ગમે ત્યારે યુદ્ધનો મોરચો ખોલી શકે છે તેમ મનાઈ રહ્યું છે. અમેરિકી વિદેશપ્રધાન એન્ટોની બ્લિન્કને પણ ઇરાન અને હિઝબુલ્લાની ધમકીઓને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે ઇરાન ઇઝરાયેલ પર ગમે તે ઘડીએ હુમલા કરી શકે છે પરંતુ ઇઝરાયેલે
ઇરાન અને લેબેનોનની ધમકીઓની ઐસીતૈસી કરીને હિઝબુલ્લાના ઘણા ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા છે. ધમકીઓ બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇરાન અને તેના પીઠ્ઠુઓ અમને આતંકવાદના સકંજામાં જકડવા માગે છે. અમે નજીક કે દૂર દરેક મોરચે તેમની સામે લડવા માટે મક્કમ છીએ. નોંધનીય છે કે હાનિયાની હત્યાના એક દિવસ પૂર્વે લેબેનોનની રાજધાની બેરુતમાં હિઝબુલ્લાના ટોચના કમાન્ડર ફઉદ શુકરની હત્યા કરી દેવાઈ હતી.
હાનિયા અને ફઉદની હત્યા બાદ હિઝબુલ્લાએ પણ ઇઝરાયેલને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું અને ગયા શનિવારે ઇઝરાયેલ ઉપર 50 જેટલા રોકેટ ઝીંક્યા હતા. જોકે ઇઝરાયેલના આયર્ન ડોમે હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. બદલો લેવાના ઇરાન અને હિઝબુલ્લાના એલાનને પગલે મધ્ય-પૂર્વમાં મોટાપાયે યુદ્ધની આશંકા વધી ગઈ છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેને મધ્ય-પૂર્વની સ્થિતિ અંગે ચર્ચા માટે ઇમરજન્સી મિટિંગ યોજી હતી. અમેરિકાએ સ્થિતિ વણસે નહીં તે માટે મધ્ય-પૂર્વમાં વધારાના દળો તહેનાત કરવાની જાહેરાત કરી છે.


