- પાકિસ્તાનમાં સરકાર બે મહિનામાં પડી જવાનો ઈમરાન ખાનનો દાવો
- ઈમરાન ખાન અને પત્નીના રિમાન્ડ વધુ લંબાવવામાં આવ્યા
- 71 વર્ષીય ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી અદિયાલાની જેલમાં બંધ
પાડોશી દેશ એવા પાકિસ્તાનની એક કોર્ટે તોશાખાના કેસમાં જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેઓની પત્ની બુશરા બીબીની અટકાયત 11 દિવસ માટે વધારી દીધી છે. સુનાવણીની અધ્યક્ષતા કોર્ટના જજ નાસિર જાવેદ રાણાએ કરી હતી. તેઓએ તોશા ખાના કેસમાં પૂર્વ પીએમ અને તેઓની પત્નીના રિમાન્ડ સમાપ્ત થયા છતા 11 દિવસ માટે રિમાન્ડ વધારવા મંજૂરી આપી દીધી હતી. 71 વર્ષીય ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી અદિયાલાની જેલમાં બંધ છે. અને તેઓની પત્ની બુશરા બીબી પણ જેલમાં જ બંધ છે.
સરકાર સામે નિશાન સાધ્યું
પત્રકારો સાથે વાત કરતા પાકિસ્તાનના પૂર્વ PMએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતૃત્વવાળી સરકાર બે મહિનામાં પડી જશે. તેમણે કહ્યું, “આ મૂર્ખ લોકો નથી સમજતા કે આ સરકાર પાસે માત્ર બે મહિના છે. આ સરકાર બે મહિનામાં પડી જશે. તેમણે વધુમાં કહ્યું કે, સરકાર તેમને જેલના સળિયા પાછળ ધકેલી દે તો પણ તેઓ સત્તા સાથે સમાધાન નહીં કરે. ઈમરાને કહ્યું, “હું મારી સામેના તમામ કેસ લડી રહ્યો છું અને આગળ પણ લડતો રહીશ.
રિમાન્ડ વધુ લંબાવવામાં આવ્યા
નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી) એ કોર્ટને જણાવ્યું કે ઇમરાન ખાન અને તેની પત્નીએ છેલ્લા 10 દિવસના રિમાન્ડમાં માત્ર બે વાર જ તપાસ ટીમને સહકાર આપ્યો હતો. એન્ટી કરપ્શન વોચડોગે તપાસ પૂર્ણ કરવા માટે વધારાના 14 દિવસના રિમાન્ડની વિનંતી કરી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 11 દિવસના રિમાન્ડ લંબાવીને સુનાવણી 19 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન અને તેની પત્ની તોશાખાના કેસમાં 24 દિવસના રિમાન્ડ પૂરા કરી ચૂક્યા છે.


