- દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી મુખ્ય ન્યાયમૂર્તિને રાજીનામું ધરવા માટે ચીમકી આપી હતી
- ફાસીવાદી તત્ત્વો વચગાળાની સરકારને ગેરકાયદે જાહેર કરવા માંગે છે
- બાંગ્લાદેશના મુખ્ય ન્યાયમૂર્તિએ ફુલ કોર્ટ બેXક બોલાવી હતી અને તેના કારણે જ દેખાવકારો ઉશ્કેરાયા હતા
બાંગ્લાદેશમાં શનિવારે ફરી વાર વિરોધ દેખાવો શરૂ થયા હતા. દેખાવકારોએ ઢાકા સ્થિત બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતને ઘેરી લીધી હતી અને તેમણે મુખ્ય ન્યાયમૂર્તિ સહિત તમામ ન્યાયાધીશોના એક કલાકમાં જ રાજીનામાની માગ કરી હતી.
પ્રદર્શન વકરતા જોઈને બાંગ્લાદેશના મુખ્ય ન્યાયમૂર્તિ ઓબૈદુલ હસને રાજીનામું ધરી દેવાનો નિર્ણય કર્યો હતો. દેખાવકારોએ ચેતવણી આપી હબતી કે જો સુપ્રીમ કોર્ટના જજિસ અને મુખ્ય ન્યાયમૂર્તિ રાજીનામા નહીં સોંપે તો તેમના નિવાસસ્થાનો પર હુમલો કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રદર્શનોને કારણે જ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડીને ભાગવું પડયું હતું. શનિવારે સંખ્યાબંધ દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી, તેમાં મોટાભાગના દેખાવકારો વિદ્યાર્થી હતા તેમણે સીજેઆઇના તાત્કાલિક રાજીનામાની માગ કરી હતી. બાંગ્લાદેશના મુખ્ય ન્યાયમૂર્તિએ ફુલ કોર્ટ બેઠક બોલાવી હતી અને તેના કારણે જ દેખાવકારો ઉશ્કેરાયા હતા. વિદ્યાર્થીઓ અને વકીલો સહિત દેખાવકારોએ પછી સુપ્રીમ કોર્ટ કૂચ કાઢી હતી. દેખાવકારોએ દાવો કર્યો હતો કે મુખ્ય ન્યાયમૂર્તિ વચગાળાની સરકારને ગેરકાયદે જાહેર કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. દેખાવકારોએ કહ્યું હતું કે ફાસીવાદી તત્ત્વો વચગાળાની સરકારને ગેરકાયદે જાહેર કરવા માંગે છે.
મોહમ્મદ યુનુસની ભારતને ધમકી?
બાંગ્લાદેશની સત્તાનું સુકાન સંભાળ્યા બાદ મોહમ્મદ યુનુસે ભારત માટે ચેતવણી સૂચક નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુમાં યુનુસે કહ્યું હતું કે જો બાંગ્લાદેશમાં અસ્થિરતા સર્જાશે તો તેની અસર મ્યાનમારની સાથે જ ઉત્તરપૂર્વ ભારત અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યને પણ અસર પહોંચશે. મોહમ્મદ યુનુસ શેખ હસીનાના કટ્ટર ટીકાકાર ર્યા છે. યુનુસે કહ્યુ હતું કે બાંગ્લાદેશમાં ઘણા વર્ષોથી કાયદો અને વ્યવસ્થા નહોતા અને હવે તે અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે.
ATM ખાલી, લોકો એક એક પાઈ માટે તરસ્યા
બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિ છે. ઘણી બેન્કોએ પોતાના એટીએમ બંધ રાખ્યા છે. લૂંટફાટની આશંકાને જોતા તકેદારીના ભાગરૂપે બેન્કોએ પોતાના શટર ડાઉન કરી દીધા છે. એટીએમ બંધ પડયા છે. ઘણા એટીએમમાં નાણાં જ નથી. તે સાથે જ ભારત તરફથી આવનારો ચોખા, ઘઉં સહિતનો સામાન પણ બોર્ડર પર અટવાયેલો છે. એટીએમમાં નાણાં ભરનારી એજન્સીઓએ વર્તમાન સ્થિતિમાં પોતાની સેવા નહીં આપવાનો નિર્ણય કર્યો છે.


