- પૂર્વ પીએમ ઈમરાન ખાનના મિત્ર ફૈઝ હમીદની ધરપકડ
- અદિયાલા જેલના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ મોહમ્મદ અકરમની ધરપકડ
- 71 વર્ષીય ઈમરાન ખાન એક વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં
પાડોશી દેશ એવા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે. છતાં તેઓના મિત્રો અને સહયોગીઓના સામે વર્તમાન સરકાર શાહબાઝ સરકાની નજરો વાંકી છે. આ ક્રમમાં પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના સંસ્થાપક ઈમરાન ખાનની મદદ કરવાના આરોપમાં અદિયાલા જેલના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ મોહમ્મદ અકરમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ જાણકારી જેલ તંત્ર તરફથી આપવામાં આવી હતી.
તપાસ એજન્સી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટની પૂછપરછ કરી રહી છે
કાયદા અમલીકરણ એજન્સીઓએ અદિયાલા જેલ તરીકે ઓળખાતી સેન્ટ્રલ જેલ રાવલપિંડીના ધરપકડ કરાયેલા વરિષ્ઠ પોલીસ અધિકારીની પૂછપરછ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ મોહમ્મદ અકરમ કથિત રીતે જેલની બહાર ઈમરાન ખાનના ગુપ્ત સંદેશાઓ પહોંચાડતો હતો. LEAએ વરિષ્ઠ પોલીસ અધિકારીની ધરપકડ અને તપાસ અંગે પંજાબ પ્રાંતના જેલના ડીજીપીને ઔપચારિક રીતે જાણ કરી હતી. જો અધિકારી દોષિત જણાશે તો તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.
પૂર્વ પીએમ ઈમરાન ખાનના મિત્રની ધરપકડ
આ અગાઉ પાકિસ્તાનની તપાસ એજન્સીએ આવાસીય યોજના કૌભાંડમાં ઈમરાન ખાનના મિત્ર અને ISIના પૂર્વ પ્રમુખ ફૈઝ હમીદની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા 71 વર્ષીય ઈમરાન ખાન એક વર્ષ કરતાં વધુ સમયથી જેલની હવાઈ ખાઈ રહ્યા છે. તેઓની પત્ની બુશરા બીબી પણ જેલમાં જ છે. જો કે, એક કોર્ટે તોશાખાના કેસમાં તેઓની સજાને બરતરફ કરી છે.


