- અમેરિકાના 37 રાજ્યોમાં હજુ પણ આ કુપ્રથાને કાનૂની દરજ્જો
- 2018માં ન્યૂજર્સી અને ડેલાવેરએ પોતાને ત્યાં આ માનવ અધિકારના ભંગને બંધ કર્યો
- ભારતે બાળ લગ્ન મુદ્દે આકરા કાયદાઓ ઘડીને તેનું સખ્તાઇપૂર્વક અમલીકરણ કરી સફળતા મેળવી
બાળ લગ્નો વિશે વૈશ્વિક સ્તરે ચાલતી ચર્ચાઓમાં મોટાભાગે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના દક્ષિણ એશિયા તેમજ કેટલાક આફ્રિકન દેશો ચર્ચાના કેન્દ્રમાં હોય છે. આ વિસ્તારો પર અપાતા વિશેષ ધ્યાનને કારણે વિશ્વના અન્ય ભાગોમાં પ્રવર્તમાન આ કુપ્રથાના અહેવાલો દબાઇ જાય છે કે ખાસ કરીને સુપર પાવર અમેરિકામાં.
હજુ સુધીમાં વ્યાપક રીતે આમ મનાતુ રહ્યું છે કે બાલ વિવાહએ વિશ્વના પછાત ક્ષેત્રો પૂરતી મર્યાદિત સમસ્યા છે પરંતુ હકીકત એ છે કે બાળ લગ્ન હજુ પણ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં કાનૂની દરજ્જો ધરાવે છે જે સંકેત આપે છે કે દેશમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત છે. ભારતે બાળ લગ્ન મુદ્દે આકરા કાયદાઓ ઘડીને તેનું સખ્તાઇપૂર્વક અમલીકરણ કરીને બાળ લગ્ન સામે લડતમાં નોંઘપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાં આ પ્રથા સજાપાત્ર ગુનો ગણાય છે જ્યારે અમેરિકામાં આ મુદ્દે એકદમ વિરોધાભાસ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં બાળ વિવાહ ગેરકાયદે હોવા છતાં પણ અમેરિકાના 37 રાજ્યમાં બાળ લગ્ન એક ગંભીર મુદ્દો બનેલો છે. અમેરિકન સંગઠન અનચેઇન્ડ એટ લાસ્ટના અનુસાર 2017 સુધી અમેરિકાના તમામ 50 રાજ્યોમાં બાળ લગ્ન અથવા તો 18 વર્ષથી ઓછી વયે લગ્ન કાનૂની હતા.2018માં ન્યૂજર્સી અને ડેલાવેર અમેરિકાના એવા પહેલા બે રાજ્ય બન્યા હતા જેમણે આ માનવ અધિકારના ભંગને બંધ કર્યો હતો. તેમના બાદ 2018માં અમેરિકન સમોઆ દ્વારા આ કુપ્રથાને પ્રતિબંધિત કરાઇ હતી. 2020માં યુએસ વર્જિન આઇલેન્ડ, પેન્સિલ્વેનિયા અને મિનેસોટામાં આ પ્રથા બંધ કરી હતી અને 2021માં રોડ આઇલેન્ડ અને ન્યૂયોર્કમાં તેનો અંત લવાયો હતો. 2022માં મેસાચ્યુસેટ્સ અને 2023માં વર્મોન્ટ, કનેક્ટિકટ અને મિશિગન તેમજ 2024માં વોશિંગ્ટન, વર્જિનિયા અને ન્યૂ હેમ્પશાયરમાં આ કુપ્રથાનો અંત લવાયો હતો. અમેરિકાના 37 રાજ્યમાં આ કુપ્રથા કાનૂની દરજ્જો ધરાવે છે વર્ષ 2000થી હજુ સુધીમાં લગભગ 10 વર્ષ સુધીની વય ધરાવતા 300,000 કરતા વધારે બાળકોના લગ્ન અમેરિકામાં થયા છે.


