- યુક્રેનના સ્વતંત્રતા દિવસે ઝેલેન્સકીએ રશિયા પર કર્યા શાબ્દિક પ્રહાર
- યુદ્ધનો વ્યાપ હવે રશિયાના ક્ષેત્રમાં ફેલાઈ ગયો છેઃ ઝેલેન્સકી
- યુક્રેને મોસ્કો સાથે જોડાયેલા ધાર્મિક જૂથો પર મુક્યો પ્રતિબંધ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ફરી એકવાર રશિયાના ઘા પર મીઠું નાખ્યું છે. યુક્રેનના 33મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપેલા ભાષણમાં રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જાહેરાત કરી કે તેમના દેશ સામે રશિયાના હુમલાએ અપેક્ષાઓ પૂરી કરી છે. ઝેલેન્સકીએ કહ્યું કે, યુદ્ધનો વ્યાપ હવે રશિયાના ક્ષેત્રમાં ફેલાઈ ગયો છે. ઝેલેન્સ્કીએ પોતાનું ભાષણ સુમીથી આપ્યું હતું, રશિયાની સરહદની નજીકનો વિસ્તાર છે જ્યાં આ મહિનાની શરૂઆતમાં યુક્રેનની સેનાએ રશિયામાં પ્રવેશ કર્યો હતો.
રશિયાને માત્ર એક જ વસ્તુ જોઈતી હતી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, રશિયાને માત્ર એક જ વસ્તુ જોઈતી હતી, આપણને નષ્ટ કરવા. તેના બદલે આજે આપણે યુક્રેનનો 33મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ અને દુશ્મનો જે યુદ્ધ આપણી ભૂમિ પર લાવ્યા હતા તે હવે તેમના ઘરે તરફ ફર્યું છે.
યુક્રેને રોમ સંધિને બહાલી આપી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે, જે લોકો યુક્રેનને માત્ર એક બફર ઝોનમાં ફેરવવાનો ઇરાદો ધરાવતા હતા, તેઓ હવે તેમના પોતાના દેશની સંભાવનાઓ વિશે ચિંતિત હોવું જોઈએ કે તેમનો પોતાનો દેશ બફર ફેડરેશન ના બની જાય. આ સાથે જ યુક્રેને રોમ સંધિને બહાલી આપીને આંતરરાષ્ટ્રીય ન્યાય સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. જેનાથી દેશને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ (ICC)માં સામેલ થવાની મંજૂરી આપી છે.
મોસ્કો સાથે જોડાયેલા ધાર્મિક જૂથો પર પ્રતિબંધ
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મોસ્કો સાથે જોડાયેલા ધાર્મિક સંગઠનો પર પ્રતિબંધ મૂકતા કાયદા પર પણ હસ્તાક્ષર કર્યા છે. જે યુક્રેન પર રશિયાના હુમલાને સમર્થન આપવાના આરોપમાં ઓર્થોડોક્સ ચર્ચની શાખા સાથેના સંબંધોને પૂરો કરી દે છે. આ મહિનાની શરૂઆતમાં સંસદ દ્વારા પસાર કરાયેલ એક કાનૂન યુક્રેનની સરકારને આ સંસ્થાઓને બંધ કરવાની કાનૂની સત્તા આપે છે. તેનાથી રશિયા સાથેના સંબંધો બગડશે અને યુક્રેનની સ્વતંત્ર ધાર્મિક ઓળખ મજબૂત થશે.


