- યુએસ એમ્બેસેડર નિકોલસ બર્ન્સે આપી માહિતી
- અમેરિકા અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં સુધારા!
- તાઈવાન અને દક્ષિણ ચીન સમુદ્રના મુદ્દાઓ પર મતભેદો
અમેરિકા અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં સુધારાની આશા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને મળ્યા હતા. આ બેઠકને બંને દેશો વચ્ચે ફરી વાતચીતની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ શીએ કહ્યું કે “બંને દેશોની પરિસ્થિતિ તેમજ યુએસ-ચીન સંબંધોમાં મોટા ફેરફારો થયા છે, પરંતુ દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવાના બેઇજિંગના લક્ષ્યમાં કોઈ ફેરફાર થયો નથી.”
બંને દેશો વચ્ચે કેટલાક ગંભીર મતભેદો
જેક સુલિવાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઉપાધ્યક્ષ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં બંને પક્ષોએ સંબંધોને વધુ મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. જો કે, ખાસ કરીને તાઈવાન અને દક્ષિણ ચીન સમુદ્રના મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે કેટલાક ગંભીર મતભેદો છે.
ફિલિપાઇન્સ વચ્ચે સંઘર્ષની સ્થિતિ
ચીન તાઈવાનને પોતાનો અભિન્ન અંગ માને છે અને તેને ચીનમાં જોડવાના પ્રયાસો કરી રહ્યું છે, જ્યારે અમેરિકા તાઈપેઈને દરેક રીતે મદદ કરવા તૈયાર છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન અને અન્ય દેશો, ખાસ કરીને ફિલિપાઇન્સ વચ્ચે સંઘર્ષની સ્થિતિ પણ છે, જેમાં અમેરિકા પણ સામેલ છે.
વેપારના મુદ્દાઓ પર પણ ઊંડા મતભેદો
રાજકીય મુદ્દાઓ ઉપરાંત વેપાર સંબંધિત મુદ્દાઓ પર પણ બંને દેશો વચ્ચે ઊંડા મતભેદો છે. 2018 થી, ચીન અને યુએસ વચ્ચેના સંબંધો ખાસ કરીને વ્યૂહાત્મક, સંરક્ષણ અને વેપાર મુદ્દાઓ પર વધુ ખરાબ થયા છે. ઓટોમોબાઈલ અને સોલાર પેનલના ઉત્પાદન અંગે પણ ઊંડો તફાવત છે.
સંઘર્ષને રોકવા માટે વાતચીતની જરૂરિયાત
બંને દેશો વચ્ચેના મતભેદો ઊંડા હોવા છતાં, ખાસ કરીને દક્ષિણ ચીન સંઘર્ષને રોકવા માટે વાતચીતની જરૂરિયાત અનુભવાઈ રહી છે. યુએસ એમ્બેસેડર નિકોલસ બર્ન્સે કહ્યું છે કે “અમારા બંને દેશોના સૈન્ય દળો દક્ષિણ ચીન સાગર અને તાઈવાન સ્ટ્રેટમાં એકબીજાની નજીક સ્થિત છે. આવી સ્થિતિમાં અમે કોઈ ખોટો સંકેત આપવા માંગતા નથી.”


