- ઈરાને આંતરરાષ્ટ્રીય અપીલોને અવગણીને યુરેનિયમ ભંડારમાં કર્યો વધારો
- ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ પ્રસિદ્ધ કરેલા રિપોર્ટમાં થયો ખુલાસો
- 60 ટકા શુદ્ધતા સુધી વધારેલુ યુરેનિયમ 90 ટકાના હથિયાર-ગ્રેડ સ્તરથી માત્ર થોડું દૂર
ઈરાને આંતરરાષ્ટ્રીય અપીલોને અવગણીને તેના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને નજીકના હથિયાર-ગ્રેડ સ્તરે વધાર્યો છે. ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ સંસ્થાના એક ગોપનીય રિપોર્ટમાં આ જણાવવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના અહેવાલ મુજબ 17 ઓગસ્ટ સુધીમાં ઈરાન પાસે 60 ટકા વધારેલુ 164.7 કિલોગ્રામ યુરેનિયમ હતું. મે મહિનામાં IAEAના અગાઉના અહેવાલ બાદ આ 22.6 કિલોગ્રામનો વધારો છે.
હથિયાર-ગ્રેડ લેવલથી માત્ર એક ડગલું દૂર
60 ટકા શુદ્ધતા સુધી વધારેલુ યુરેનિયમ 90 ટકાના હથિયાર-ગ્રેડ સ્તરથી માત્ર એક તકનીકી પગલું દૂર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ઈરાને તે બે સ્થળોએ મળી આવેલા માનવસર્જિત યુરેનિયમ કણોના મૂળ અને વર્તમાન સ્થાન અંગે પરમાણુ નિગરાની સંસ્થાની વર્ષોથી ચાલી રહેલી તપાસનો હજુ પણ જવાબ આપ્યો નથી. જેને તેહરાન સંભવિત પરમાણુ સ્થળો તરીકે જાહેર કરવામાં નિષ્ફળ રહ્યું છે.
તેહરાને સપ્ટેમ્બર 2023ના નિર્ણય પર પુનર્વિચાર પણ કર્યો નથી
એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર IAEA રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેહરાને સપ્ટેમ્બર 2023ના નિર્ણય પર પુનર્વિચાર પણ કર્યો નથી. જે અંતર્ગત ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ પર નજર રાખવા માટે સૌથી અનુભવી પરમાણુ નિરીક્ષકો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સાથે IAEA સર્વેલન્સ કેમેરા હજુ પણ વિક્ષેપિત છે.
ખામેનેઈનું પરમાણુ કાર્યક્રમ અંગે નિવેદન
IAEAનો આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે જ્યારે હાલમાં જ ઈરાનના સર્વોચ્ચ નેતાએ પોતાના દેશના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા સાથે નવી વાતચીતનો માર્ગ ખોલવાની વાત કરી છે. અયાતુલ્લા અલી ખામેનેઈએ તેમની નાગરિક સરકારને કહ્યું હતું કે ‘દુશ્મન’ સાથે વાટાઘાટો કરવામાં ‘કોઈ નુકસાન’ નથી.
વોશિંગ્ટન પર વિશ્વાસ ન કરવો જોઈએ
સુપ્રીમ લીડરની મંગળવારની ટિપ્પણીઓને સુધારાવાદી રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની નવી સરકાર હેઠળ કોઈપણ વાટાઘાટો માટે સ્પષ્ટ સીમા રેખાઓ નિર્ધારિત કરી અને પોતાની ચેતવણીને પુનરાવર્તન કરી કે, વોશિંગ્ટન પર વિશ્વાસ ન કરવો જોઈએ.


