- ઈરાકમાં 27 વર્ષમાં પ્રથમ વખત કરવામાં આવશે વસ્તી ગણતરી
- વસ્તી ગણતરી અંગે 1 સપ્ટેમ્બરના રોજ અધિકારીઓએ કરી જાહેરાત
- ઈરાકમાં છેલ્લી વખત વસ્તી ગણતરી 1997માં કરવામાં આવી હતી
ઈરાક 27 વર્ષમાં પ્રથમ વખત વસ્તી ગણતરી કરવા જઈ રહ્યું છે. આ માટે આવતા મહિને નવેમ્બરમાં બે દિવસનો કર્ફ્યુ લાદવામાં આવશે. આ અંગે 1 સપ્ટેમ્બરના રોજ અધિકારીઓએ જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદૈનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી હાથ ધરવા માટે ઇરાકના તમામ પ્રાંતોમાં 20 અને 21 નવેમ્બરે કર્ફ્યુ લાદવામાં આવશે. તેમણે કહ્યું કે, દાયકાઓથી ચાલતા સંઘર્ષ અને હિંસાથી તબાહ થયેલા ઈરાકે વસ્તી ગણતરી ઘણી વખત મુલતવી રાખી છે.
ઈરાકમાં 1997માં છેલ્લી વસ્તી ગણતરી કરાઈ હતી
વડાપ્રધાન સુદાનીએ જણાવ્યું હતું કે, 2010માં વિવાદિત વિસ્તારોને લઈને સમુદાયો વચ્ચેના તણાવને કારણે વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. ઇરાકમાં છેલ્લી સામાન્ય વસ્તી ગણતરી 1997માં સ્વાયત્ત કુર્દીસ્તાન વિસ્તાર બનનાર ત્રણ ઉત્તરીય પ્રાંતો સિવાય 15 ઇરાકી પ્રાંતોમાં હાથ ધરવામાં આવી હતી. ઈરાકમાં 1987 પછી પહેલીવાર 2010માં વસ્તીગણતરી થવા જઈ રહી હતી, પરંતુ જમીન વિવાદને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. જેથી ઉત્તરમાં તેલ સમૃદ્ધ જમીનના એક ભાગને લઈને અરબો અને કુર્દ વચ્ચેના સંઘર્ષને રોકી શકાય.
લગભગ 43 મિલિયન વસ્તી
હાલમાં અંદાજ મુજબ ઇરાકની વસ્તી લગભગ 43 મિલિયન છે. સત્તાવાળાઓએ આગામી વસ્તી ગણતરી માટે યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) સાથે ભાગીદારી કરી છે. એજન્સી અનુસાર અગાઉ ઇરાકમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી હતી. જો કે, દેશમાં સાંપ્રદાયિક હિંસાને કારણે 2007માં વસ્તી ગણતરી થઈ શકી ન હતી.
55% શિયા અને 40% સુન્ની
એજન્સીનું કહેવુ છે કે, આ પહેલ ઇરાકને સચોટ વસ્તીની માહિતીથી સજ્જ કરવા અસરકારક નીતિ ઘડતરની સુવિધા આપવા અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અંદાજ મુજબ ઈરાકની લગભગ 55% મુસ્લિમ વસ્તી શિયા છે, જ્યારે 40% સુન્ની છે. આ સિવાય ઈરાકની વસ્તીમાં ખ્રિસ્તી, યઝીદી, મન્ડેઈન્સ અને યાર્સનનો પણ સમાવેશ થાય છે.


