- લૂંટારું ભીડે બિલ્ડિંગને અને સામાનને પણ ભારે નુકસાન કર્યું, પોલીસ તમાશો જોતી રહી
- આ સ્ટોરમાં દરેક માલની કિંમત પાકિસ્તાનના 50 રૂપિયાથી પણ ઓછી
- લૂંટારુ ભીડે ફક્ત 30 મિનિટની અંદર સમગ્ર સ્ટોરને લૂંટી લીધો
શુક્રવારે પાકિસ્તાનના કરાચીમાં ડ્રીમ બજાર નામના સ્ટોરનું ભવ્ય સમારોહ સાથે ઉદઘાટન થવાનું હતું. પ્રચારમાં કહેવામાં આવ્યું હતું કે આ સ્ટોરમાં દરેક માલની કિંમત પાકિસ્તાનના 50 રૂપિયાથી પણ ઓછી હશે.
પણ બિચારા સ્ટોર માલિકને ક્યાં ખબર હતી કે પાકિસ્તાનની તાલિબાની માનસિકતા ધરાવતી જનતા માટે રૂ. 50 પણ વધારે છે. બન્યું એવું કે જેવો સ્ટોર ખૂલ્યો કે તરત મોટી સંખ્યામાં ભીડ સ્ટોરમાં ઘુસી ગઇ અને સ્ટોરને લૂંટી લીધો. લૂંટારુ ભીડે ફક્ત 30 મિનિટની અંદર સમગ્ર સ્ટોરને લૂંટી લીધો અને બિલ્ડિંગને અને સામાનને પણ ભારે નુકસાન કર્યું. અને આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ તમાશો જોતી રહી હતી. અહેવાલો અનુસાર આ સ્ટોરના અમેરિકા સ્થિત માલિકનો ઉદ્દેશ કરાચીના લોકોને સસ્તામાં સારા કપડાં ઉપલબ્ધ કરાવવાનો હતો પણ તેનું આ સપનું સ્ટોર શરૂં થયાના 30 મિનિટમાં જ રોળાઇ ગયું હતું. સ્ટોરમાં ડાકુની માફક લૂંટફાટ કરનારા લોકોના કૃત્યને દર્શાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને પાકિસ્તાનના લોકો જ તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટનાને લઇને પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યૂઝરે જણાવ્યું હતું કે જો લોકો પોતાના અધિકારો માટે લડવા આટલી મોટી સંખ્યામાં બહાર નીકળવાનું શરૂ કરી દે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ થઇ જાય પણ તેને બદલે રૂ. 50નું શર્ટ લૂંટવામાં પડયા છે. એક પાકિસ્તાની અખબારે લખ્યું હતું કે આ લૂંટ કરાચીના લોકોના ઘેરા આર્થિક સંકટને દર્શાવે છે.


