- બ્રુનેઈની રાજધાની બાંદર સેરી બેગાવાન અને ભારતના ચેન્નઈ વચ્ચે સીધી વિમાનસેવા શરૂ થશે
- બંને દેશ આઇસીટી, ફિનટેક, સાઇબર સુરક્ષા, ટેક્નોલોજી જેવાં ક્ષેત્રોમાં સહયોગથી આગળ વધવા સહમત
- પીએમ મોદી અને બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલકિયાએ બુધવારે બેઠક કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈના રાજદ્વારી પ્રવાસે ગયા છે. અહીં બંને દેશો વચ્ચે સીધી વિમાનસેવા, સુરક્ષા, અંતરિક્ષ, લોકો વચ્ચેના આંતરિક સંબંધો અને સમુદ્રી ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા માટે સહમતી થઈ છે અને કરાર થયા છે. જેના ભાગરૂપે બ્રુનેઈની રાજધાની બાંદર સેરી બેગાવાન અને ભારતના ચેન્નઈ વચ્ચે સીધી વિમાનસેવા શરૂ થશે.
પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે થયેલા આ કરારોથી ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત થવાનું અનુમાન છે. પીએમ મોદી અને બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલકિયાએ બુધવારે બેઠક કરી હતી. બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો સાથે સંકળાયેલા ઘણા મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ બાંદર સેરી બેગાવાન અને ચેન્નઈ વચ્ચે સીધી વિમાન સેવા શરૂ થવાને આવકારી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારત અને બ્રુનેઈ વચ્ચે એમઓયુ થયા છે. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને બ્રુનેઈના પરિવહન અને માહિતી સંચાર મંત્રી પેંગિરન દાતો શમહારી પેંગિરન દાતો મુસ્તફાએ ઉપગ્રહ અને લોન્ચ વ્હીકલ માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહયોગ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ દરમિયાન પીએમ મોદી અને બ્રુનેઈના સુલ્તાન હાજર રહ્યા હતા. પીએમ મોદી અને બ્રુનેઈના સુલ્તાને પેરિસ સમજૂતી જેવા આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ ઉદ્દેશો અનુસાર જળવાયુ પરિવર્તનના પડકારોના પ્રતિકૂળ પ્રભાવોને ઘટાડવાના પ્રયાસો વધારવાની તાત્કાલિક જરૂરિયાત પર સહમતી વ્યક્ત કરી હતી. બંને નેતાઓ આઇસીટી, ફિનટેક, સાઇબર સુરક્ષા, નવી અને વિકસી રહેલી ટેક્નોલોજી અને રિન્યૂએબલ એનર્જી જેવાં ક્ષેત્રોમાં સહયોગથી શોધ અને આગળ વધવા પર સહમત થયા હતા.


