પાકિસ્તાને હવે જૂનાગઢને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાક.ના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે ગુરુવારે જૂનાગઢનો મુદ્દો ઊઠાવતાં કહ્યું હતું કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કરેલો છે. જૂનાગઢ અંગે પાકિસ્તાનનું પોલિસી સ્ટેટમેન્ટ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે તે ભારતના ગુજરાતનું એક એવું શહેર છે કે જેને 1948માં પાકિસ્તાનમાં ભેળવવામાં આવ્યું હતું.
પાકિસ્તાન આ મામલાને ઐતિહાસિક અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં જોવે છે. જૂનાગઢ પાક.નો હિસ્સો હતું. ભારતનો તેના પર ગેરકાયદે કબજો યુએન ચાર્ટર અને આં.રા. ધોરણોનું ઉલ્લંઘન છે. પાકિસ્તાન હંમેશા રાજકીય અને કૂટનીતિક મંચો પર જૂનાગઢનો મુદ્દો ઊઠાવતું રહ્યું છે અને શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે. પાકિસ્તાન કાશ્મીરની જેમ જૂનાગઢને પણ અધૂરો એજન્ડા માને છે. પ્રેસ બ્રીફ્ગિં દરમિયાન મુમતાઝે બાંગ્લાદેશ સાથે હકારાત્મક અને મજબૂત સંબંધો વિકસાવવાની પાકિસ્તાનની ઇચ્છા પર પણ પ્રકાશ પાડયો હતો અને કહ્યું હતું કે બંને દેશોની સરકારોના સહયોગથી પાકિસ્તાન-બાંગ્લાદેશ સંબંધો વધુ સુધરશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના મજબૂત સંબંધો બંને દેશો માટે ફાયદાકારક છે. તેમણે એમ પણ જણાવ્યું કે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.


