પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શનિવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત આપી છે. આ ઉપરાંત ચૂંટણી પંચ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. કોર્ટે સુરક્ષિત સીટ મુદ્દે કોર્ટના ચુકાદાને લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી જેલની હવા ખાઈ રહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનની આગેવાની ધરાવતી પાર્ટીને ફાયદો થવાની શક્યતા છે.
જો સુપ્રીમના આદેશનું પાલન થાય તો ઈમરાન ખાનની પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ નેશનલ એસેમ્બલીમાં સૌથી મોટી પાર્ટી તરીકે આવી શકે છે. તેમજ સુરક્ષિત બેઠકો આવતા તેની સીટમાં વધારો થઈ શકે છે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો આ આદેશ વડાપ્રધાન શાહબાઝ શરીફના શાસક ગઠબંધન માટે મોટો ફટકો સમાન છે કારણ કે તે પીટીઆઈને સંસદના બંને ગૃહોમાં સૌથી મોટો પક્ષ બનાવશે. સત્તામાં રહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાર્ટીની આગેવાની હેઠળની સરકારે 15 જુલાઈએ પીટીઆઈને અનામત બેઠક ફાળવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી. અગાઉ, સુપ્રીમ કોર્ટના 13 સભ્યોની બેન્ચે 12 જુલાઈએ આઠ-પાંચની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે પીટીઆઈ નેશનલ એસેમ્બલી અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો માટે પાત્ર છે. કોર્ટે પીટીઆઈને સંસદીય પક્ષ તરીકે પણ જાહેર કર્યું હતું.
વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટના કારણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી
જ્યાં એક તરફ પૂર્વ પીએમ ઈમરાન ખાનને કોર્ટમાંથી રાહત મળી છે તો બીજી તરફ પાકિસ્તાનની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. FIAએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વિવાદાસ્પદ પોસ્ટને લઈને શનિવારે અદિયાલા જેલમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની લગભગ 45 મિનિટ સુધી પૂછપરછ કરી. આ પોસ્ટમાં મુખ્ય સરકારી સંસ્થાઓના અધ્યક્ષોને નિશાન બનાવવામાં આવ્યા છે. FIAએ શુક્રવારે ખાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સરકાર અને સરકારી સંસ્થાઓ વિરુદ્ધ બળવો ભડકાવવાનો કેસ નોંધ્યો હતો.
પૂછપરછ દરમિયાન ઈમરાન ખાનની પોસ્ટ પાછળના હેતુને લઈ સવાલ-જવાબ કરવામાં આવ્યા અને એવું પણ પૂછાયું કે તેનું સોશિયલ મીડિયા ખાતું કોણ સંભાળી રહ્યું છે. એફઆઈએ ટીમની તપાસ ચાલુ રાખવા તથા એ નક્કી કરવા ફરી ત્યાં આવવાની આશા છે કે ઈમરાન ખાનના સોશિયલ મીડિયા ખાતાને હેંડલ કરવા તેમજ આવી પોસ્ટ માટે નિર્દેશ ચાલુ રાખવા કોણ જવાબદાર છે. ઈમરાન ખાને પહેલા એ વાત પર ભાર મૂક્યો હતો કે તે માત્ર પોતાની કાયદા વિભાગની ટીમની હાજરીમાં જ તપાસમાં મદદ કરશે અને તેઓએ આ ટીમને મળવાને ના પાડી દીધી હતી.


