ચીનના શાંઘાઈ શહેરમાં સોમવારે બેબિન્કા વાવાઝોડું ત્રાટક્યું હતું. જે ગત 75 વર્ષમાં શહેરમાં આવેલું સૌથી શક્તિશાળી તોફાન છે. આ વાવાઝોડાને લીધે જનજીવન ઠપ થઈ ગયું છે. શાંઘાઈની કેન્દ્રીય હવામાન કચેરીએ જણાવ્યું કે, તોફાન 42 પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલતી હવાઓની સાથે શાંઘાઈના વિસ્તારોને ઘમરોળ્યું હતું.
શાંઘાઈ શહેર વહીવટી તંત્રએ કોઈપણ સ્થિતિને પહોંચી વળતા માટે પહેલા હજારો રાહત અને બચાવ કર્મચારીઓને તૈનાત કરી દીધા હતા. બેબિન્કા શાંઘાઈમાં 75 વર્ષમાં આવેલું સૌથી વિનાશક તોફાન મનાઈ રહ્યું છે.આ વર્ષે ચીનમાં આ 13માં નંબરનું તોફાન છે.
સ્થિતિ કેવી છે?
મળતી માહિતી અનુસાર, ચીનમાં રાજ્ય પૂર નિયંત્રણ અને દુષ્કાળ રાહત કચેરીએ રવિવારે ચીનના પૂર્વ અન્હૂઈ પ્રાંત તેમજ શાંઘાઈ, ઝેંઝિયાંગ માટે રાહત ઉપાય વધાર્યા છે. બેબિન્કા તોફાનને લીધે શાંઘાઈમાં વિમાન સેવાઓ રદ્દ કરવામાં આવી છે. શાંઘાઈ રેલવે સ્ટેશને સતત બે દિવસ સુધી આવતી અને જતી પ્રવાસી ટ્રેનો રદ્દ કરવાની જાહેરાત કરી છે. હોંગકોંગ શહેર કે જ્યાં અઢી કરોડ વસ્તી ધરાવે છે ત્યાં ચાર લાખથી વધુલોકોને બીજા સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય શહેરના તમામ હાઈવેને બંધ કરી દેવામાં આવ્યા છે.
ચીનની સરકારે પગલાં ઉઠાવ્યા
ચીનની સરકારે ચક્રવાતને પહોંચી વળવાની તૈયારી કરી છે. શાંઘાઈમાં હજારોની સંખ્યામાં રાહત અને બચાવ કર્મીઓને તૈનાત કર્યા છે. ઉપરાંત ઘણા સ્થળો પર રાહત કેમ્પ લગાવવામાં આવ્યા છે. જ્યાં કટોકટી જેવી સ્થિતિમાં લોકો આશરો લઈ શકે છે. ચીનમાં અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. આવામાં સરકારે લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપી છે. તોફાનના લીધે શાંઘાઈના ઘણા રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ પર્યટન સ્થળોને બંધ કરી દીધા છે. એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં ફલાઈટ્સ રદ્દ થવાથી પ્રવાસીઓને રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


