લેબનોનમાં સીરિયલ બ્લાસ્ટ થયો છે. અહીં પેજર્સ બ્લાસ્ટમાં 2000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ અને આરોગ્ય કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ ભયાનક ઘટનામાં ઈરાનના રાજદૂત મોજીતબા અમાની પણ ઘાયલ થયા છે. ઈરાનના મીડિયા અહેલાલ અનુસાર જે પેજર્સ બ્લાસ્ટમાં ઈરાનના રાજદૂત ઘાયલ થયા હતા તે તેમના સુરક્ષા ગાર્ડ સાથે હતો. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
હજારો ગંભીર રીતે ઘાયલ
લેબનોને માહિતી આપી હતી કે આજે બપોરે સેંકડો હિઝબુલ્લાહ લડવૈયાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકો વિશે હાલમાં કોઈ માહિતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ કોમ્યુનિકેશન માટે પેજર્સનો ઉપયોગ કરી રહ્યા હતા અને તે જ સમયે તેમણે બ્લાસ્ટ કર્યો હતો.
એક પછી એક અનેક બ્લાસ્ટ થયા
આ સીરીયલ બ્લાસ્ટ દક્ષિણ લેબનોન અને રાજધાની બેરૂત સહિત ઘણા સ્થળોએ થયા હતા, જેને હિઝબુલ્લાહના ઈતિહાસમાં સૌથી મોટી ગુપ્તચર ભૂલ તરીકે જોવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ સ્થાનિક સમય અનુસાર બપોરે 3.45 કલાકે થયો હતો. જાણવા મળી રહ્યું છે કે, એક પછી એક અનેક બ્લાસ્ટ થયા છે. એક કલાક સુધી વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
વિસ્ફોટ પર હિઝબુલ્લાહે શું કહ્યું?
આ વિસ્ફોટ પર હિઝબુલ્લાહ તરફથી એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેણે ઈઝરાયલની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે. એક બાળકી સહિત આઠ લોકોના મોત થયા હોવાની પણ પુષ્ટિ થઈ છે. આ બ્લાસ્ટમાં હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. જેમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંભવિત વિસ્ફોટ પેજર્સની લિથિયમ બેટરીને કારણે થયો હતો, જે વધુ પડતી ગરમીને કારણે ફાટ્યો હોઈ શકે છે.
હોસ્પિટલોમાંથી આવી રહી છે ભયાનક તસવીરો
લેબનીઝ અને ઈઝરાયલના સોશિયલ મીડિયામાં ફોટા ફરતા થયા છે, જેમાં લોકો લોહીથી લથબથ જમીન પર પડેલા દેખાય છે. જેમાંથી ઘણા બેભાન હાલતમાં જોવા મળી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, બ્લાસ્ટ બાદ હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક હોસ્પિટલોમાંથી બહાર આવી રહેલી તસવીરોમાં બેકાબૂ સ્થિતિ જોઈ શકાય છે, જ્યાં કેટલાક લોકોને માથામાં ઈજાઓ છે, તેમના પગ અને હાથમાં ઈજા થઈ છે.


