લેબેનોનમાં છેલ્લા બે દિવસથી શ્રેણીબદ્ધ વિસ્ફોટ થઈ રહ્યા છે. પ્રથમ દિવસ મંગળવારે બપોરના સુમારે પાંચ હજાર પેજરમાં વિસ્ફોટ થયા જ્યારે બીજા દિવસે વોકી-ટોકીમાં અને ત્રીજા દિવસે સોલર પેનલમાં વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં અત્યાર સુધી કુલ 32 લોકોનાં મોત થયા છે. જ્યારે 4,500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા થે. ઈજાગ્રસ્તોમાં ઈરાન સમર્થિત લેબેનોન જૂથ હિઝબુલ્લાના આતંકવાદીઓ સામેલ છે. આ હુમલાઓ માટે હિઝબુલ્લાએ ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. લેબેનોન પર આ રીતે હુમલો થતા વિશ્વમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મુસ્લિમ દેશો તરફથી પણ આ હુમલાઓને લઈ આકરી પ્રતિક્રિયાઓ સામે આવી છે.
જોર્ડન દેશ
મુસ્લિમ દેશ જોર્ડને પણ લેબેનોનમાં થયેલા વિસ્ફોટો પર પ્રતિક્રિયા આપી છે. રાજધાની અમ્માનમાં જોર્ડનના વિદેશ મંત્રીએ બુધવારે જણાવ્યું કે, ઈઝરાયલ ઘણા મોરચે ભયંકર સંઘર્ષને વધારી રહ્યું છે. તેઓએ જણાવ્યું કે, ઈઝરાયલે આખા પશ્ચિમ એશિયા ક્ષેત્રિય સંઘર્ષના અણી પર ધકેલી દીધું છે.
વધુમાં તેમને જણાવ્યું કે, લેબેનોનની સુરક્ષા, અખંડિતતા, સ્થિરતા અને તેના નાગરિકોની સુરક્ષાના પક્ષમાં અમે છીએ. અમે એવી કોઈપણ કાર્યવાહીને વખોડીએ છીએ જે લેબેનોનની સુરક્ષા, સ્વતંત્રતા, અખંડિતતા અને તેના નાગરિકોને ખતરો પહોંચતો હોય.
યમન દેશ
યમનના હથિયારધારી દળે લેબેનોનમાં હિઝબુલ્લાની સાથે પોતાની એકજૂથ દર્શાવી હતી. ઈઝરાયલના હુમલાને કાયરતા ગણાવી હતી. એક અધિકારીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, હિઝબુલ્લાને વળતી કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર છે.
ઈજિપ્ત દેશ
ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ ઈઝરાયલનું નામ લીધા વગર હુમલાને વખોડયો છે. ઈજિપ્ત સરકાર તરફથી એક નિવેદનમાં કહેવાયું રે રાષ્ટ્રપતિ આ સંબંધમાં અમેરિકી વિદેશ મંત્રી સાથે વાત કરી છે.
સાઉદી અરેબિયા દેશ
પેજર બ્લાસ્ટ બાદ બ્રિટનમાં સાઉદી અરેબિયાના રાજદૂત પ્રિન્સ ખાલિદ બિન બંદર અલ સઈદે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘શું થયું તે વિશે કોઈ અભિપ્રાય બનાવવો ખૂબ જ વહેલું છે. અમને હજુ સુધી સંપૂર્ણ માહિતી મળી નથી. આટલા બધા પેજર્સ માટે એક જ સમયે અને એક જ પ્રકારની ખામી સાથે નિષ્ફળ થવું તે ચોક્કસપણે અસામાન્ય લાગે છે.
ઈરાક દેશ
મુસ્લિમ દેશ ઇરાકે લેબેનોન પરના ‘ઇઝરાયલી હુમલા’ની નિંદા કરી છે અને પીડિતોને મદદ કરવા માટે તાત્કાલિક તબીબી સહાયની ઓફર કરી છે. ઇરાકી વડા પ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ મંગળવારે સાંજે ઇરાકી તબીબી અને કટોકટી ટીમોને લેબેનોનમાં તાત્કાલિક તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ ટીમો લેબનોનમાં બ્લાસ્ટથી પ્રભાવિત લોકોને માનવતાવાદી રાહત આપવાનું કામ કરશે.
ઇરાકી સરકારના પ્રવક્તા બાસિમ અલ-અવાડીએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર લેબનોનમાં બગડતી સુરક્ષા સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તેણે હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું હતું.


