અમેરિકામાં વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસમાં કામ કરતા એક અધિકારીનો મિશન પરિસરની અંદર રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃતદેહ મળ્યો છે. આ ઘટના પછી ચકચાર મચી ગઈ છે. દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં મોતની પુષ્ટિ કરી છે, પરંતુ હજી સુધી અન્ય જાણકારી નથી આપી.
આ મામલાની તપાસ સ્થાનિક કાયદા અધિકારી અને સિક્રેટ સર્વિસના અધિકારી કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ કેસમાં આપઘાતની શકયતા સહિત જુદાજુદા એંગલને તપાસમાં આવી રહ્યા છે.
ભારતીય દૂતાવાસે નિવેદન આપ્યું
ભારતીય દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, દુ:ખની સાથે અમે આ વાતની પુષ્ટિ કરીએ છીએ કે, ભારતીય દૂતાવાસના એક સભ્યનું 18 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે નિધન થયું હતું. અમે મૃતદેહને ભારત મોકલવા માટે સંબંધિત એજન્સીઓ અને પરિવારના સભ્યોના સંપર્કમાં છીએ. પરિવારની ગોપનીયતાને ધ્યાને લેતા મૃતક અંગે વધુ જાણકારી નથી આપવામાં આવી.
પીએમ મોદી અમેરિકાના પ્રવાસે રવાના થયા
આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં આયોજિત વાર્ષિક ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ સિવાય તેઓ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યુચર કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદી ટેક્નોલોજી ક્ષેત્રની ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે પણ બેઠક કરશે.
અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, “હું ક્વાડ સમિટમાં મારા સાથીદારો રાષ્ટ્રપતિ બાઈડેન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદાને મળવા માટે ઉત્સુક છું.”


