ક્વાડ શિખર સંમેલનની બેઠક પૂરી થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિની એક વાતથી અમેરિકા અને ચીન વચ્ચેના તંગ સંબંધો ખુલ્લા પડયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ક્વાડ દેશોના નેતાઓ સાથે એમ કહેતાં હોટ માઇક પર ઝડપાઈ ગયા કે ચીન અમારી પરીક્ષા કરી રહ્યું છે. તેમના આ નિવેદનથી ચીનના જોખમ સામેની અમેરિકાની ગંભીરતાનો અંદાજ આવે છે.
જો બાઇડેને શનિવારે ક્વાડ શિખર સંમેલન પૂરું થયા બાદ આ પ્રકારની ટિપ્પણી કરી હતી. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિસિદાએ ભાગ લીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિએ આ નેતાઓને કહ્યું હતું કે, અમારું માનવું છે કે શી જિનપિંગ ઘરેલુ આર્થિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે અને ચીનમાં અશાંતિ ઘટાડવા માગે છે. શિખર સંમેલન સ્થળ ખાતે રિપોર્ટરના બહાર નીકળતા સમયે તેમની શરૂઆતની ટિપ્પણી હોટ માઇક પર સાંભળવા મળી હતી. જેમાં બાઇડેન એમ કહેતા હતા કે મારું માનવું છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ બેઇજિંગનાં હિતોને આક્રમક રીતે આગળ વધારવા માટે પોતાના માટે કૂટનીતિક સ્થાન ઇચ્છે છે. ચીન સતત આક્રમક વ્યવહાર કરી રહ્યું છે. આર્થિક અને ટેકેનોલોજીના મુદ્દા સહિત ઘણા મોરચે અમારી પરીક્ષા કરી રહ્યું છે. અમારું એવું માનવું છે કે સખત સ્પર્ધાત્મકતા માટે કૂટનીતિની જરૂર હોય છે.


