ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે. આ મેચમાં કેએલ રાહુલ કયા નંબર પર બેટિંગ કરશે તે મોટો પ્રશ્ન છે. પ્રથમ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો. રાહુલે પણ પ્રથમ મેચમાં બેટિંગની શરૂઆત કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિવાય વોર્મ અપ મેચમાં રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરતો જોવા મળ્યો હતો. ત્યારે હવે એડિલેડમાં રમાનારી મેચમાં તે કયા નંબર પર બેટિંગ કરશે તેને લઇને તેણે ખુદ જવાબ આપ્યોછે.
કેએલ રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તે કયા નંબર પર બેટિંગ કરશે, પરંતુ એવું પણ કહેવામાં આવ્યું છે કે તે આજે તેનો ખુલાસો નહીં કરી શકે. રાહુલે વધુમાં કહ્યું કે આ જાણવા માટે તમારે મેચના પહેલા દિવસ અથવા કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સની રાહ જોવી પડશે.
કેએલ રાહુલે શું કહ્યું?
કેએલ રાહલે કહ્યું કે હું ફક્ત પ્લેઈંગ ઈલેવનમાં રહેવા ઈચ્છું છું. હું ત્યાં જઈને બેટિંગ કરવા અને ટીમ માટે રમવા ઈચ્છું છું. હું ફક્ત ત્યાં જઉં છું અને જોઉં છું કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં રન બનાવવા માટે મારે શું કરવાની જરૂર છે. સારી વાત એ છે કે મેં અલગ-અલગ સ્થિતિમાં બેટિંગ કરી છે. શરૂઆતમાં જ્યારે મને અલગ-અલગ સ્થિતિમાં બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તે માનસિક રીતે થોડુ પડકારજનક હતું. પહેલા 20-25 બોલ કેવી રીતે રમી શકાય? હું કેટલી અટેક કરી શકું? આ બાબતો પહેલા એક સમસ્યા હતી, પરંતુ વિવિધ ફોર્મેટમાં રમવાના અનુભવથી હવે તે સરળ બની ગયું છે.
પર્થમાં રાહુલની જબરદસ્ત બેટિંગ
કેનબેરામાં ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામેની ડે-નાઇટ પ્રેક્ટિસ મેચ દરમિયાન, રાહુલ અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો અને પ્રથમ વિકેટ માટે 75 રન ઉમેર્યા હતા. તેણે કાંગારૂ ટીમ સામે પર્થ ટેસ્ટમાં પોતાની બંને ઇનિંગ્સમાં 250 બોલમાં 103 રન બનાવ્યા હતા. તેની ઇનિંગે ચેતેશ્વર પૂજારાની ઉણપ વર્તાવવા દીધી ન હતી.


