મેલબોર્નના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલીને તેના વર્તન માટે ઘણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. વિરાટ 19 વર્ષીય યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસના ખભા પર અથડાવીને આગળ વધ્યો, ત્યારબાદ વિરાટ અને કોન્સ્ટાસ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ.
મામલો એ હદે વધી ગયો કે અમ્પાયર અને ઉસ્માન ખ્વાજાને વચ્ચે પડવું પડ્યું. વિરાટ કોહલીની ભૂલને ધ્યાનમાં લઈને મેચ રેફરીએ દિવસની રમતના અંતે તેને દંડ ફટકાર્યો હતો.વિરાટ કોહલીની મેચ ફીમાં 20 ટકાની કપાત કરવામાં આવી હતી અને તેને એક ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યો. પરંતુ હવે કોન્ટાસે પ્રેસ કોન્ફરન્સમાં જે ખુલાસો કર્યો છે તેનાથી આ વિવાદમાં નવો ટર્ન આવ્યો છે.
કોહલીના વર્તન પર કોન્સ્ટાસે શું કહ્યું?
પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ સેમ કોન્સ્ટાસને વિરાટ કોહલીના વર્તન અંગે પૂછપરછ કરવામાં આવી હતી. કોન્ટાસે આ વિવાદ પર જે પ્રતિસાદ આપ્યો તેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. 19 વર્ષીય કાંગારૂ બેટ્સમેને કહ્યું કે “હું મારા ગ્લોવ્સ ફિક્સ કરી રહ્યો હતો અને પછી અચાનક કોહલી આકસ્મિક રીતે આવીને મારી સાથે અથડાઈ ગયો. આવી વસ્તુઓ ટેસ્ટ ક્રિકેટમાં અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં થાય છે. હું દરેક બોલ પર મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ખુશ છું કે આજે હું સારી બેટિંગ કરવામાં સફળ રહ્યો છું.
કોન્સ્ટાસનું આ નિવેદન ક્રિકેટ જગત માટે થોડું ચોંકાવનારું છે, કારણ કે ભૂતપૂર્વ ક્રિકેટરોના મતે કોહલીએ જાણીજોઈને કોન્સ્ટાસના ખભા પર માર માર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ફેન્સે વિરાટ કોહલીને આડે હાથ લીધો હતો અને તેની આકરી ટીકા કરી હતી.
કોહલીને ફટકાર્યો દંડ
દિવસની રમતના અંતે મેચ રેફરીએ આ વિવાદમાં વિરાટ કોહલીને દોષી ગણાવ્યો હતો અને દંડ ફટકાર્યો હતો. વિરાટ કોહલીની મેચ ફીમાંથી 20 ટકા કાપવાની સાથે રેફરીએ તેને એક ડીમેરિટ પોઈન્ટ પણ આપ્યો હતો. માઈકલ વોન, ઈરફાન પઠાણ, સુનીલ ગાવસ્કર સહિત ઘણા પૂર્વ ખેલાડીઓએ પણ વિરાટના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. સુનિલ ગાવસ્કરે કહ્યું કે વિરાટ કોહલી કોન્સ્ટાસને ખભાથી મારવાનું ટાળી શક્યો હોત અને ફૂટેજ જોઈને સ્પષ્ટ જણાય છે કે તેને જાણી જોઈને આવું કર્યું છે.
પહેલા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા
મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે. પહેલા દિવસની રમતના અંતે ટીમે 6 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 311 રન બનાવી લીધા હતા. પોતાની ડેબ્યુ મેચમાં જ કોન્ટાસ પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો અને તેને 65 બોલમાં 60 રનની જોરદાર ઈનિંગ રમી હતી.


