ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટીમ સાઉથી ડીપી વર્લ્ડ આઈએલટી20ની ત્રીજી એડિશનમાં શારજાહ વોરિયર્સ ટીમની કેપ્ટન્સી સંભાળશે. શારજાહ વોરિયર્સનું માનવું છે કે સાઉથીનો અનુભવ તથા રમતનું જ્ઞાન આઈએલટી20ની આગામી સીઝન માટે ટીમને મજબૂતી આપશે.
નોંધનીય છે કે આઈએલટી20ની આગામી સિઝનની શરૂઆત 11 જાન્યુઆરીએ થશે અમને શારજાહ વોરિયર્સ પોતાની પ્રથમ મેચ 12 જાન્યુઆરીએ ગુજરાત જાયન્ટ્સની વિરુદ્ધ રમશે. આ અવસર પર સાઉથીએ જણાવ્યું હતું કે શારજાહ વોરિયર્સ પાસે એક શાનદાર ટીમ છે કે જેમાં અનેક સારા બેટ્સમેન છે અને કુશળ બોલર્સ પણ છે. આટલા બધા પ્રભાવશાળી ક્રિકેટર્સની કેપ્ટન્સી કરવી અને તેમની સાથે રહેવું વાસ્તવમાં રોમાંચક રહેશે. ટીમ મેનેજમેન્ટની સાથેની વાતચીત પણ અત્યાર સુધી ખુબ જ સફળ રહી છે અને અમને પુરો ભરોસો છે કે આ સિઝન સારી રહેશે. હું આ ટીમમાં સામેલ થવામાં અને તેનું નેતૃત્વ કરવા માટે ખરેખર ઉત્સાહિત છું. શારજાહ વોરિયર્સના મુખ્ય કાર્યકારી ક્ષેમલ વેનગંકરે જણાવ્યું હતું કે અમે કેપ્રી સ્પોર્ટ્સમાં ટીમ સાઉથીને શારજાહ વોરિયર્સ ટીમમાં કેપ્ટન તરીકે સામેલ કરીને ખુબ ઉત્સાહિત છીએ. ક્રિકેટની રમત પ્રત્યે તેમની કાર્ય નીતિ તથા સમર્પણ બેમિસાલ છે તથા લડતા રહેવાની તેમની દ્રઢતા યોદ્ધા ભાવના સાથે સંપુર્ણપણે મેળ ખાય છે. સાઉથી આઈએલટી20ની આગામી સિઝન માટે અમારી ટીમને મજબૂત તો કરશે જ સાતોસાથ તેમાં વધારે ઊંડાણ અને અનુભવનો પણ ઉમેરો કરશે.


